શેરબજાર ટનાટન: ૭૬૦ પોઈન્ટનો ઉછાળો

0
329
રિલાયન્સની આગેવાનીમાં સેન્સેકસ-નિફટીમાં તેજીનો સળવળાટ: મિડકેપ અને સ્મોલકેપમાં પણ રોકાણકારોનો રસ

શેરબજારમાં ગઈકાલે મંદીનો ફટકો પડવાથી ૭૬૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે બજાર ખુલતાની સાથે જ ઉંચકાયું હતું. દરમિયાન એક તબક્કે બજાર ફરીથી પટકાય તેવી શકયતાઓ ઉભી થઈ હતી. અલબત ત્યારબાદ ધીમીગતિએ બજારે ગ્રીન ઝોનમાં ટ્રેડ થવાનું ચાલુ રાખ્યું હતું. એક તબક્કે બજારમાં ૭૬૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. આજે એચડીએફસી બેંક, રિલાયન્સ, ઓએનજીસી અને એશિયન પેઈન્ટસ સહિતના શેરમાં ઉછાળો નોંધાયો હતો.

ચાલુ મહિનાના બીજા ટ્રેડીંગ દિવસે ઓટો, બેન્કિંગ અને ઓઈલ-ગેસની આગેવાનીમાં સેન્સેકસ ધીમીગતિએ આગળ વધ્યું હતું. શરૂઆતી કારોબારમાં નિફટીએ ૧૧,૦૦૦ની સપાટી કુદાવી હતી. સેન્સેકસ પણ આજે ૨.૦૩ ટકા એટલે કે, ૭૬૦ પોઈન્ટ મજબૂત જોવા મળ્યો હતો. હાલમાં બીએસઈના ૩૦ શેર વાળા પ્રમુખ ઈન્ડેક્ષ સેન્સેકસની સાથે નિફટી-ફીફટીમાં પણ તેજીનો સળવળાટ થયો છે. નિફટી-ફીફટીના રિલાયન્સ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, એચડીએફસી સહિતના શેર ૨.૩૦ ટકાથી ૫ ટકા સુધી ઉછળ્યા હતા. ઉપરાંત રિલાયન્સના શેરમાં પણ ૬.૨૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે બેંક નિફટીમાં ૪૭૧ પોઈન્ટનો ભડકો થયો હતો. મીડકેપ અને સ્મોલકેપમાં લેવાલીનું પ્રભુત્વ જોવા મળ્યું હતું.

મીડકેપ શેરમાં એકસાઈડ ઈન્ડ., હિન્દુસ્તાન એરોન, ક્રિશીલ, જેએસડબલ્યુ, એનર્જી અને વોલ્ટાસ ૫ ટકા સુધી વધ્યા હતા. અલબત મિડકેપના શેરમાં ફયુચર રિટેઈલ, ક્ધસાઈ નેરોલેક, શ્રીરામ ટ્રાન્સફર સહિતના શેર તૂટી ગયા હતા.

નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે વૈશ્ર્વિક બજારમાં ભારે ઉતાર-ચડાવ છેલ્લા ચાર મહિનામાં નોંધાયા હતા. ભારતીય શેરબજાર પણ ઐતિહાસિક ગાબડાનું સાક્ષી બન્યું હતું. એક સમયે શેરબજાર સૌથી નીચેની સપાટીએ પહોંચી જશે તેવી ભીતિ સેવાઈ હતી. કોરોનાની મહામારીના કારણે વૈશ્ર્વિક ચેઈન તૂટી જતાં અર્થતંત્ર ખોરંભે ચડ્યું હતું.

માત્ર ભારતીય શેરબજાર જ નહીં પરંતુ અમેરિકા, જાપાન અને બ્રિટન સહિતના શેરબજારમાં તોતીંગ કડાકા બોલી જતા રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે, મહામારીને વચ્ચે જનજીવન ફરીથી ધમધમવા લાગ્યું છે. વેપાર-ધંધા ધીમીગતિએ શરૂ થયા છે. આવી સ્થિતિમાં બજારમાં ધીમીગતિએ તેજીનો સળવળાટ થયો છે.

આજે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતા રોકારકારો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ગઈકાલે બોલેલા કડાકા બાદ આજનો દિવસ રોકાણકારો માટે મહત્વનો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here