ધોરાજી માં ભેળસેળ યુક્ત બાયોડિઝલ બનાવતી ફેકટરી પકડી પાડતી SOG રાજકોટ ગ્રામ્ય

0
531

ધોરાજીના ફરેણી રોડ પર બાયો ડિઝલ બનાવવાની ફેકટરી ધમધમતી હોવાની બાતમીના આધારે ગત મોડી રાતે રૂરલ એસઓજી સ્ટાફે દરોડો પાડી બાયો ડિઝલ, ટેન્કર, સ્ટોરેજ ટાંકા અને ફયુલ પંપ સહિત રૂા.31.10 લાખના મુદામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

ધોરાજીના ફરેણી રોડ પર રેલ્વે ટ્રેક પાસે વંડામાં ધોરાજીના દિનેશ ઉર્ફે ગોપાલ લવજી કોયાણી અને જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા નામના શખ્સો અલગ અલગ જવલંતશીલ પ્રવાહીનું મિશ્રણ કરી ભેળસેળ યુક્ત બાયો ડિઝલ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે રૂરલ એસઓજી પી.આઇ. એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. એચ.એમ.રાણા, જી.જે.ઝાલા, એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેશભાઇ અગ્રાવત અને દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોડી રાત્રે દરોડો પાડયો હતો.

ધોરાજીના જેતપુર રોડ પર માથુકીયા વાડી પાસે રહેતા દિનેશ ઉર્ફે ગોપાલ લવજી કોયાણી, સંતોષીમા ગરબી ચોકમાં રહેતા જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા, ગાંધીધામ પાસે આવેલા પડાણાના હસ્તબહાદુર કાશીરામ ભુડાક્ષેત્રી અને રાજન દત્તે નેપાળી નામના શખ્સોને રૂા.12.60 લાખની કિંમતના 21 હજાર લિટર બાયો ડિઝલ, રૂા.15 લાખની કિંમતનું જી.જે.12એડબલ્યું.7096 નંબરનું ટેન્કર, રૂા.3 લાખની કિંમતનો સ્ટોરેજનો ટાંકો, રૂા.5 હજારની કિંમતની ઇલેકટ્રીક મોટર અને પ્લાસ્ટીકના કેરબા મળી રૂા.31.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

ગાંધીધામના પડાણાના હસ્તબહાદુર રાજપૂત અને રાજન નેપાળી ધોરાજી ખાતે ટેન્કર લઇને બાયો ડિઝલ ખરીદ કરવા આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દિનેશ કોયાણી અને જયરાજસિંહ ચુડાસમા કેટલા સમયથી બાયો ડિઝલ બનાવી વેચાણ કરતા હતા અને અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની પોલીસે પૂછપરછ હાથધરી છે.