- ભારે વરસાદના પગલે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે 2 કલાકથી બંધ રહેતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
- ગિરનાર તળેટી પર પાણીનું વહેણ વધતા પુલ નીચે ન્હાવા ગયેલ વ્યકિત ફસાયો,ધાતરવાડી ડેમ-2ના એક સાથે 8 દરવાજા ખોલાયા
રાજકોટ સૌરાષ્ટ્રમાં આજે ચારેતરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ચલાલા પંથકમાં મુશળધાર 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધારીમાં 3 ઈંચ અને બાબરા પંથકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. બીજી તરફ જૂનાગઢના દોલતપરામાં વોકળા પાસે પાણી આવી જતા 5 લોકો ફસાયા હતા. આ સાથે જ ગિરનાર તળેટી પરથી પાણીનું વહેણ વધતા પાચનાકા પુલ નીચે ન્હાવા ગયેલા વડોદરાના વતની સતિષભાઈ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા. જો કે ફાયર વિભાગ દ્વારા તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં.
દોલતપરામાં વોકળા પાસે પાણી આવી જતાં 5 લોકો ફસાયા
જૂનાગઢના દોલતપરા ગામમાં ગોપાલનગર વિસ્તારમાં વોકળા પાસે પાણી આવી જતા એક જ ઘરના 5 લોકો ફસાયા હતા. જેને જુનાગઢની ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા.

ચલાલામાં મુશળધાર 5 ઈંચ વરસાદ
અમરેલીના ચલાલાના વાવડી ગામમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. સ્થાનિક નદીના પાણી ગામની મુખ્ય બજારોમાં ઘૂસી ગયા છે. નદીના આ ધસમસતા પ્રવાહમાં પશુઓ પણ તણાયા હતા. વાવડીમાં ધોધમાર વરસાદ પડતા વાવડી ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.

ધારી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે 3 ઈંચ વરસાદ
ધારી પંથકમાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 3 ઈંચ વરસાદ પડ્યો છે. જેથી નદી-નાળામાં પૂર આવ્યું હતું. ભારે વરસાદના પગલે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે 2 કલાકથી બંધ રહેતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ખાંભાના રાયડી ડેમના દરવા ખુલતા નાગેશ્રી કોઝવે પરપાણી ફરી વળ્યું છે અને નાગેશ્રી ગામમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી રહી છે

રાજુલા ધાતરવડી ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યાં
અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ પડતા રાજુલા ધાતરવાડી ડેમ 2ના એક સાથે 8 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી છે. હિંડોરણા, વડ, ઉંચેયા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું અને હજુ પણ મોડી રાતે વધુ 4 દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે.
બાબરા પંથકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
અમરેલી જિલ્લાના બાબરા પંથકના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. બાબરા શહેરમાં એક ઈચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે ધરાઈ ગામમાં 2 કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને લઈને સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જ્યારે વાવડી, જીવાપર, ચમારડી, ઘુઘરાળા, મોટા દેવળીયા, દરેડ, જામબરવાળા, નીલવડા, ચરખા, વલારડી, કુવરગઢ, વાલપુર, ઇંગોરાળા, ખાખરીયા અને કરિયાણાન સહિતના ગામોમાં અડધા ઈંચથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

થોરડીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામે અનરાધાર વરસાદ પડ્યો છે. વરસાદને પગલે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. જેને લઈને પૂરનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું. પાણીના ધસમસતાના પ્રવાહમાં ભેંસ તણાય હતી. જો કે સ્થાનિકોએ તણાતી ભેંસને બચાવી લીધી હતી.

ખાંભા તાલુકાના રાયડી ડેમના 6 દરવાજા ખોલાયા
ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડતા રાયડી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યાં છે. ઉપરવાસમાં થયેલા પરસાદના પગલે રાયડી ડેમના 6 દરવાજા ખોલવામા આવ્યા છે. આ સાથે જ નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ રાયડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાંભા ઉના સ્ટેટ હાઈવે પર આવેલ ચતુરી ગામના પાટીયા પાસે વરસાદ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે ખાંભા પંથકમાં સવારથી જ મેઘો મહેરબાન થયો છે.