કોટડાસાંગાણીમાં 3, રાજકોટમાં 1 ઈંચ વરસાદ, માધાપર ગામ પાસે વીજળી પડી, રસ્તાઓ પાણી પાણી

0
428
  • કોટડાસાંગાણીમાં ગાજવીજ સાથે એકથી ત્રણ ઈંચ વરસાદ, સતાપર ગામે વીજળી ખાબકતા અવેડાને નુકસાન
  • અમરેલી પંથકમાં એકથી પાંચ ઈંચ વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ
  • ઉપલેટામાં બે ઈંચથી વધારે અને જસદણમાં એક ઈંચથી વધારે વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. ગાજવીજ સાથે જુનાગઢ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લામાં એકથી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટમાં બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં એક ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. શહેરના માધાપર ગામ પાસે વીજળી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લાઈવ વીજળીના દ્રશ્યો કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કર્યો છે. જો કે વીજળી પડવાથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

રંગીલા રાજકોટવાસીઓ ન્હાવા માટે રસ્તા પર નીકળ્યા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, મોરબી રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી બની ગયા છે. 150 ફૂટ રિંગ રોડ પર ઘુંટણસમા પાણી ભરાયા છે. ભારે ગાજવીજથી લોકો પણ ભયભીત બન્યા છે. વીજળીના ચમકારાથી અમુક લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે તો અમુક લોકો વરસાદની મોજ માણવા અને ન્હાવા માટે બાઈક લઈને નીકળી પડ્યા છે. વરસાદમાં ભીંજાવાથી લોકો ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે. અમરેલી પંથકમાં એકથી પાંચ ઈંચ વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અમરેલીના ધરાઈ ગામે મૂશળધાર વરસાદથી ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.

કોટડાસાંગાણીમાં એકથી ત્રણ ઈંચ
કોટડાસાંગાણી તાલુકામા લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. એકથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સતાપર ગામે વીજળી પડતા અવેડાને ભારે નુકસાન થયું છે. મંગળવારના બપોરના બે વાગ્યાના સુમારે તાલુકામાં ઘેઘુર વાદળો અને ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના વિરામ બાદ ભારે વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવતદાન મળતા કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે. સતાપર, રામપરા, રામોદ, રાજગઢ, ખરેડા, સોળીયા, નારણકા, ભાડુઈ સહિતના ગામોમા એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ પગલે નાના-મોટા જળાશયોમાં વ્યાપક પ્રમાણમા પાણીની આવક થઈ છે. જ્યારે તાલુકાના સતાપર ગામે રાયધનભાઈ મેતાના ઘરની સામે આવેલા અવેડા પર વીજળી પડતા અવેડાની છત અને છત પરની દીવાલને ભારે નુકસાન થયું છે.

જસદણ અને સરધારમાં ધોધમાર
સરધારમાં વીજળીના કડાકા ભડાકા સાથે મૂશળધાર વરસાદ વરસ્યો છે. જસદણના સાણથલી ગામે હાલમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થયા પહેલા પંદરથી વીસ મિનીટ ભારે વીજળીના કડાકા-ભડાકા સાથે અને ભારે અંધારા સાથે વાતાવરણમાં ગભરાટ જેવા માહોલ જોવા મળ્યો હતો. સતત કડાકા-ભડાકા ચાલુ રહેતા બાળકો ઘરમાં સંતાઈ ગયા હતા. સાણથલી, દોલતપર, ડોડીયાળા, વેરાવળ, પ્રતાપપુર જૂના પીપળીયા, મઢડા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે.

અહેવાલ:- કરસન બામટા ,આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here