રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 6ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2180 થઈ

0
224

સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંક પણ વધ્યો

રાજકોટ સૌરાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસથી પોઝિટિવ આંકની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 6 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. જેમાં રાજકોટના 4, જેતપુર અને લોધીકાના 1-1 વ્યક્તિનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2180 પર પહોંચી છે.

મંગળવારે 120 લોકોને ડિસ્ચાર્જ અપાયો
રાજકોટમાં કેસોની ભરમાર વચ્ચે પ્રથમ વખત મંગળવારે એક સાથે 120 લોકોને એક જ દિવસમાં ડિસ્ચાર્જ કરાયા હોય તેવું બન્યું છે. જે રીતે કેસો વધ્યા છે તે રીતે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધી શકે છે તેવી આશા બંધાઈ છે. બીજી તરફ 337 દર્દી હોમ આઈસોલેશનમાં રહીને કોરોના સામે જંગ લડી રહ્યા છે. મંગળવારે કુલ 120ને ડિસ્ચાર્જ કરાયા છે જેમાં 6 અન્ય જિલ્લાના અને 114 રાજકોટના છે. હજુ સુધી રાજકોટમાં એક જ દિવસનો કોરોના પોઝિટિવનો આંક 100ને વટ્યો નથી પણ પ્રથમ વખત 100 કરતા વધુ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટમાં મંગળવારે 88 પોઝિટિવ આવ્યા છે. જેમાંથી શહેરના 61, અને ગ્રામ્ય વિસ્તારના 27 છે. જેથી રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવનો આંક 2180 થયો છે.

રાજકોટ જિલ્લામાં રોજના 450 ટેસ્ટ કરાઈ છેઃ જિલ્લા વિકાસ અધિકારી
રાજકોટ જિલ્લામાં કોરોના કેસ વધતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી સહિતના તાલુકાઓમાં કેસ વધી રહ્યા છે અત્યાર સુધીમાં 700 કેસ થયા છે. જેમાંથી 200 કેસ એક્ટિવ છે. મુખ્યમંત્રીના આદેશ બાદ ટેસ્ટ વધારવામાં આવ્યા છે. પહેલા 200 કરવામાં આવતા હતા અને હવે 450 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ અને ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પ્રથમવાર રાજકોટ જિલ્લામાં ચા વેચનારા લોકોને ઉકાળો બનાવવાની તાલીમ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here