આરોપી રવિ બામણીયાની આ પૂર્વે પણ અનેક ગુનાઓમાં સંડોવણી: ઉનાના પત્રકાર પર નકલી લૂંટનો આરોપ લગાવનાર રવિ પોતે લૂંટારુ નીકળ્યો
- વિદેશથી યુવાન દિવ આવે ત્યારે સગવડ પૂરી પાડતા ઉનાના સૂત્રધારે જ રૂ.50 લાખ પડાવવા હનીટ્રેપનું ષડયંત્ર રચ્યું
કેન્દ્રશાસીત સંઘ પ્રદેશ દીવનાં ચકચારી હનીટ્રેપ પ્રકરણમાં અંતે પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. એનઆરઆઈ યુવાન પાસે આરોપીઓએ રૂ.50 લાખ માંગીને અપહરણ કરી જઈ રૂ.2.67 લાખ લૂંટી પણ લીધા હોવાનું પોલીસે જણાવ્યું છે.
ચક્ચારી હનીટ્રેપ પ્રકરણ અંગે દિવ પોલીસે જણાવ્યુ હતું કે, વિદેશમાં સથાયી થયેલો દીવનાં નાગવા વિસ્તારનો યુવાન છેલ્લા ત્રણ વર્ષથી ઉનાનાં ઈરફાન હનિફ મનસુરી (ઉ.વ.23)નાં સંપર્કમાં હતો. એનઆરઆઈ યુવાન જયારે વિદેશથી દીવ આવતો ત્યારે ઈરફાન તેને મોજમજા માટે રૂપલલનાની વ્યવસ્થા કરી આપતો હતો. પરિણામે યુવાનની આર્થિક સ્થિતિ ખુબ સારી હોવાનું જાણતા ઈરફાને ગત તા.18મી જુલાઈએ મસમોટી રકમ વસુલવા હનીટ્રેપનું ષડયંત્ર રચ્યું હતું. જે પોતાની ઓળખીતી રૂપલલના ઉપરાંત પોતાના સાથીદારો ઉનાનાં જ રવિ ઉર્ફે બચ્ચુ દેવચંદ બામણીયા (ઉ.વ.25), જફાઈ અબ્બા અવેશ (ઉ.વ.33), અક્ષય ભીમજી બામણીયા (ઉ.વ.26) અને હર્ષદ અશ્વિન વાધેલા (ઉ.વ.22) ને પણ સામેલ કર્યા હતા.
બાદમાં ઈરફાને તા.19 મીએ બપોરે એનઆરઆઈ યુવાનને ફોન કરીને એક સારી રૂપલલના આવી હોવાનું કહી પોતાના સાથીદાર રિવ બામણીયાનાં ઘરે બોલાવ્યો હતો અને યુવતી સાથેની અંગત પળોનો વિડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ તા.22 મીએ ફરી એનઆરઆઈ યુવાનને ફોન કરીને નાગવા-વણાકબાર રોડ પર બોલાવીને બે બાઈકમાં આવેલા ઈરફાન સહિતનાં પાંચેય શખ્સોએ હનીટ્રેપનો વીડિયો બતાવી રૂ.50 લાખની ખંડણી માંગી નહીં આપ તો અન્યથા બદનામ કરવાની ધમકી આપી હતી.

આટલુ જ નહીં, એનઆરઆઈ યુવાનનું તેની જ કારમાં અપહરણ કરી જઈને ખિસ્સામાંથી રૂ.38 હજાર રોકડા, રૂ.45 હજારનો સોનાનો બ્રેસલેટ તથા છ એટીએમ કાર્ડ પણ લૂંટી લઈને તેમાંથી પણ રૂ.39 હજાર કઢાવી લીધા હતા. બાદમાં તા.23 મીએ યુવાનને ડાંગરવાડી રોડ પર બોલાવી વધુ રૂ.1.45 લાખ પડાવ્યા હતા.
આ અંતે ગત તા.28 મીએ યુવાને વણાકબાર કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એસ.પી. અનુજકુમારના માર્ગદર્શન હેઠળ બે પોલીસ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરાયો હતો. મોબાઈલ ફોનના લોકેશન અને સીસીટીવી ફુટેજના આધારે મુખ્ય સુત્રધાર ઈરફાન મન્સુરી સહિત પાંચેય શખ્સોને ઉના ખાતેથી પકડી પાડીને પાંચ દિવસનાં રીમાન્ડ મેળવી મહત્ત્વનાં આધાર-પુરાવા એકત્ર કર્યા બાદ જેલ હવાલે કરાયા હતા. તેઓની પાસેથી બે બાઈક, સોનાનો બ્રેસલેટ, હનીટ્રેપનો વિડિયો, રૂ.29 હજારની રોડક, પાંચ મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ, લાકડી વગેરે મુદ્દામાલ પોલીસે કબ્જે કરવામાં આવ્યો હતો.
ત્રણ આરોપીઓ અગાઉ પણ પોલીસ ચોપડે નામ ચડેલા છે
દીવનાં હનીટ્રેપ પ્રકરણમાં ઝડપાયેલા રવિ ઉર્ફે બચુ દેવચંદ બામણીયા સામે અગાઉ ખંડણી, લૂંટ અને પ્રોહિબીશન નાં ગુના નોંધાઈ ચૂકયા છે. જ્યારે જફાઈ અબ્બા આવેશ સામે પણ જુગારધારા અને હર્ષદ અશ્વિન વાઘેલા સામે પ્રોહિબીશનનાં ગુના દાખલ થઈ ચૂકયા હોવાનું પોલીસે વધુમાં જણાવ્યું છે.