રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર,ખેતીવાડી અધિકારીએ કહ્યું- ચોમાસુ પાક નિષ્ફળ જવાનું જોખમ વધી રહ્યું છે

0
377
  • જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડધરી અને વિંછીયામાં સિઝનનો કુલ વરસાદ માત્ર ચાર ઈંચ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જગતતનો તાત ચિંતામાં મુકાયો છે અને કાગડોળે મેહુલિયાની રાહ જોઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ટીલવાએ જણાવ્યું હતું કે ચોમાસુ પાક નિષ્ફળ જવાનું જોખમ વધી રહયું છે. આગામી અઠવાડિયામાં જો વરસાદ નહીં પડે તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની અણીએ જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડધરી અને વિંછીયામાં સિઝનનો કુલ વરસાદ માત્ર ચાર ઈંચ નોંધાયો છે.

ખેતીવાડી અધિકારી આર.એસ.ટીલવા

ખેતીવાડી અધિકારી આર.એસ.ટીલવા

વાવણી બાદ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે
અષાઢ મહિનો પૂરો થઇ ગયો અને શ્રાવણ માસની શરૂઆત થઇ છતાં પણ વરસાદ ન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વાવણી બાદ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોએ વાવેલા મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકો સુકાઈ રહ્યો છે અને વરસાદ નહિ પડવાને કારણે ખેડૂતોની મહેનત બાદ નુકસાની જવાની ભીતિને લઈને ચિંતિત બન્યા છે.

ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે

ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે

બે-બે વખત વાવેતર કરવું પડ્યું હતું
આ અંગે ઉપલેટાના ખેડૂત રમેશભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, ઉપલેટા પંથકમાં વાવણી બાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસતા વાવેલા પાકોને પૂરતા પ્રમાણમાં વરસાદનું પોષણ ન મળતા કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને નુકશાન થવાની ભીંતી છે એટલું જ નહિ ઘણા ખરા ખેડૂતોમાં બે બે વખત વાવેતર કરવું પડ્યું હતું ત્યારે આ વાવણી બાદ વાવેલા પાકોમાં નહિવત જેટલો જ વરસાદ હોવાથી મગફળી, કપાસ જેવા પાકોમાં વરસાદના અભાવે સુકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે.

પાકને નુકશાન થવાની ભીંતી છે : ખેડૂત રમેશભાઈ ડાંગર

પાકને નુકશાન થવાની ભીંતી છે : ખેડૂત રમેશભાઈ ડાંગર

કુવાઓ પણ તળિયા જાટક થઈ ગયા છે
આ સાથે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, જો આગામી આઠ કે દસ દિવસમાં સારો વરસાદ નહિ વરસે તો આ વર્ષે વાવેતર કરેલા પાકો ફેલ થઈ જવાની પુરી શક્યતાઓ સર્જાઈ રહી છે ત્યારે ઉપલેટા પંથકમાં વાવણી બાદ સારો એવો વરસાદ વરસ્યો જ નથી જેમને લઈને વાડી, કુવા કે બોરમાં પણ પૂરતા પાણી ચડ્યા નથી અને કુવાઓ પણ તળિયા જાટક થઈ ગયા છે.

ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે
રાજકોટમાં સિઝનનો 21 ઈંચ વરસાદ પડયો છે પરંતુ રાજકોટ જિલ્લાનાં પડધરી અને વિંછીયામાં સિઝનનો કુલ વરસાદ હજુ ચાર ઈંચ જેટલો માંડ થયો છે. આ પંથકમાં સારો વાવણી લાયક વરસાદ પણ હજુ પડયો નથી. વિરપુર પંથકમાં પણ ઓછો વરસાદ પડયો હોય ખેડૂતો ચિંતિત બન્યા છે. જો આગામી સપ્તાહમાં સારો વરસાદ નહિ પડે તો પાક નિષ્ફળ જવાની શકયતા છે. વાડી કુવા કે બોરમાં પણ પાણી ચડયા ન હોય સુકાઈ રહેલા પાકને કેવી રીતે પાણી આપવુ તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

ક્યા પાકને કેટલું નુકસાન ?

  • મગફળી- 275 લાખ હેકટર
  • કપાસ- 198 લાખ હેક્ટર
  • સોયાબીન- 10.5 હજાર હેક્ટર
  • ઘાસ ચારો- 10 હજાર હેક્ટર