રાજકોટ : R.M.C. દ્વારા હાથ ધરવામાં આવતા ડેન્ગ્યુ વિરોધી પગલાંઓ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવે વિસ્તૃત ચિતાર રજુ કર્યો.

0
319

ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટ, ન્યુ દિલ્હી દ્વારા ક્લાઈમેટ ચેઈન્જ અને સ્વાસ્થ્ય અંતર્ગત ડેન્ગ્યુ પર વર્ચ્યુઅલ વર્કશોપ યોજાયો.

ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટ, ન્યુ દિલ્હી સંસ્થાના રોહિત મગોત્રાએ રાજકોટમાં થતી કામગીરીને બિરદાવી……

સામાન્ય રીતે ડેન્ગ્યુ રોગચાળો વર્ષમાં સપ્ટેમ્બર થી નવેમ્બર સુધીના સમયગાળામાં ડેન્ગ્યુના કેઈસો વધુ પ્રમાણમાં નોંધાય તેવી પરિસ્થિતિ હોય છે. ડેન્ગ્યુના કેઈસોનું પ્રમાણ ઘટાડવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા રોગચાળા વિશે માહિતી લોકો સુધી પહોંચાડવા અને જનજાગૃતિના ભાગરૂપે દર વર્ષે જુલાઈ મહિનો “ડેન્ગ્યુ જાગૃતિ માસ” તરીકે ઉજવવામાં આવે છે.

ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટ, ન્યુ દિલ્હી સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ઘણા વર્ષોના શોધ અને સંશોધનના પરિણામે એ નોંધાયું છે કે, ભારતમાં મોટી સંખ્યામાં લોકો વાહકજન્ય બીમારીઓ તેમજ ગરમીના તણાવથી સંબંધિત બીમારીઓથી પીડિત છે. ડેન્ગ્યુ એ વાહકજન્ય બીમારીઓથી ફેલાતા રોગ પૈકીનો એક છે. છેલ્લા એક દશકામાં ડેન્ગ્યુના કેઈસોમાં ઝડપી વૃદ્ધિ થઇ છે. ડેન્ગ્યુ વાહકનો વસ્તી વધારો અને રોગ સંક્રમણની સંખ્યાનો પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન સાથે ઘનિષ્ઠ સંબંધ છે. એટલા માટે જ ડેન્ગ્યુ  સંક્રમણ ઘટાડવા માટે કાર્યરત સરકારી સંસ્થાઓ, એન.જી.ઓ. વિગેરેએ સ્થાનિક જળવાયુકારકો અને જનસંખ્યા સાથે ડેન્ગ્યુથી થતા સંક્રમણની સંખ્યાના જોડાણને સમજવું ખૂબ જ જરૂરી છે. જેને લીધે જ ભવિષ્યમાં ડેન્ગ્યુ રોગચાળાને આગળ વધતો અટકાવવાના ઉપાયો હાથ ધરી શકાય તેમ છે.   

જેના ભાગરૂપે ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટ, ન્યુ દિલ્હી સંસ્થા દ્વારા “જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય” એ કાર્યશાળા અંતર્ગત “જળવાયુ પરિવર્તન અને દિલ્હી તથા રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ ભૂગોળનુ મૂલ્યાંકન” એ વિષય પર આજ તા.૧૨/૦૮/૨૦૨૧ના રોજ ઓનલાઈન વર્કશોપનુ આયોજન કરવામાં આવેલ. આ વર્કશોપમાં રાજકોટના મેયર ડૉ.પ્રદીપ ડવ સહઅધ્યક્ષ તરીકે જોડ્યા હતા. આ ઉપરાંત ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટના સિનિયર એડવાઈઝર પ્રોફેસર અજીત ત્યાગી, રીસર્ચ એનાલીસ્ટ મૌમીતા શો, સિનિયર રીસર્ચ એનાલીસ્ટ ડૉ.નિમિષા ઝા, આઈ.સી.એમ.આર. અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એપીડેમીયોલોજી, ચેન્નાઈના વૈજ્ઞાની ડૉ.સંતોષ કુમારે ભાગ લીધો હતો.

આ વર્કશોપમાં મેયર ડૉ.પ્રદીપ ડવે જણાવેલ કે, અગાઉના વર્ષોમાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના સેંકડો કેઈસ નોંધાતા હતા જયારે છેલ્લા ૨ વર્ષથી ડેન્ગ્યુના કેઈસોમાં ઘણો ઘટાડો જોવા મળેલ છે.

વિશેષમાં, ડૉ.પ્રદિપ ડવે એ પણ જણાવેલ કે, રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાને કાબુમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુના લાર્વાનો નાશ કરવો, શહેરમાં ડેન્ગ્યુ સંભવિત તથા પ્રભાવિત વિસ્તારોમાં સઘન ડોર ટુ ડોર લાર્વા ઉત્પતિ અંગેની ચકાસણી, હેન્ડ ઓપરેટેડ તેમજ વ્હીકલ માઉન્ટેડ મશીન દ્વારા ફોગીંગ કામગીરી, લાર્વાનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેવી માછલીનો ઉપયોગ તથા વિતરણ, ડેન્ગ્યુ સામે જનજાગૃતિ માટે પત્રિકા વિતરણ, બેનર્સ, હોર્ડિંગ બોર્ડ તથા કીઓસ્ક મારફતે જાહેરાત સહિતની જુદી જુદી કામગીરીઓ કરવામાં આવી રહી છે.

ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટ, ન્યુ દિલ્હી સંસ્થાના રોહિત મગોત્રાએ તેમના વક્તવ્યમાં જણાવેલ કે, ડેન્ગ્યુ સામેના પગલાંરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જુલાઈ માસથી જ લોકોમાં જાગૃતિ કેળવવા સઘન પ્રયાસો કરવામાં આવે છે. ઓગષ્ટથી નવેમ્બરનો સમયગાળો ચોમાસાનો હોય છે. આ સમયમાં મચ્છરના લાર્વાની ઉત્પતિ અટકાવવામાં લોકોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેતી હોય છે તેની સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આવશ્યક કાર્યવાહી કરવામાં આવે છે. રોહિત મગોત્રાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં કરવામાં આવતી ડેન્ગ્યુ વિરોધી કાર્યવાહીને બિરદાવી, તેની પ્રશંસા કરી હતી.