બેટા કોરોના દર્દીઓને પ્રાથમિકતા આપજે’ પિતાના શબ્દો ચરિતાર્થ કર્યા
સુરત અલથાણ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરમાં ફરજ બજાવતાં મહિલા કેર ટેકરના પિતાનું અવસાન થવાં છતા શોક અને આઘાતની લાગણીને હૃદયમાં દબાવી દર્દીઓની સેવાને પ્રાધાન્ય આપ્યું હતું. સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ વિદાય આપી અને એ જ દિવસની સાંજે ફરજ પર આવી કોરોના દર્દીઓની સેવામાં લાગી ગયા હતાં. પિતાનું અવસાન છતાં કોરોનાગ્રસ્તોની સેવામાં સમર્પિત રહેલાં લિંબાયતના શાહીન સલીમ સૈયદ (32) કે જેમણે ‘બેટા, કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે.’ એવા પિતાના પ્રેરણાદાયી શબ્દોનું પાલન કરી મૃતાત્માને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે.
પતિ સલીમ સૈયદ પણ તેમની સાથે અહીં ફરજ બજાવી રહ્યા છે
૨૪ જુલાઈએ સવારે મહારાષ્ટ્રના માલેગાંવમાં રહેતા પિતાનું અચાનક અવસાન થયું, સમાચાર મળ્યા ત્યારે શોકમગ્ન બની ગયાં પરંતુ બીજી જ પળે સ્વસ્થ બની ગયાં. વિડીઓ કોલથી છેલ્લી વાર પિતાનું મોં જોયું અને એ જ દિવસે સાંજે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં પ્રવૃત્ત પણ થઈ ગયાં. અલથાણ કોમ્યુનિટી હોલમાં ઊભા કરાયેલાં ‘અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર’ના કોવિડ પોઝિટિવ વોર્ડમાં હાઉસ કિપીંગના કાર્ય સાથે કેર ટેકર તરીકે ફરજ બજાવતાં ૩૨ વર્ષીય શાહીન સલીમ સૈયદ નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમના પતિ સલીમ સૈયદ પણ તેમની સાથે અહીં ફરજ બજાવી રહ્યા છે.