દર્દીનો મૃતદેહ 12 કલાક રઝળ્યો, સમજાવટ બાદ સ્થાનિકોએ દફનાવવાની પરવાનગી આપી

0
348
  • દશેરા ટેકરી કબ્રસ્તાનમાં દફનવિધિ કરવા સ્થાનિકોના વિરોધથી મૃતદેહ સિવિલમાં પડ્યો રહ્યો
  • પોલીસ અને મુસ્લિમ અગ્રણીઓની સમજાવટ


નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનું મોત થતા તેની દફનવિધિ બાબતે સ્થાનિક લોકોએ વિરોધ થતા મૃતદેહ 12 કલાકથી વધુ રઝળતો રહ્યો હતો. જોકે બાદમાં સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓની સમજાવટ બાદ અને પોલીસ બંદોબસ્ત બાદ દફનવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં એક કોરોનાની સારવાર બાદ મોત થતા એક મહિલાનો મૃતદેહને સિવિલથી લાવવામાં આવ્યો હતો.

દફનાવવા માટે વાંધો નથી પણ બહારના મૃતદેહને દફનાવવા વિરોધ છે
મૃતદેહને દફનાવવા માટે સિવિલની એમ્બ્યુલન્સ કબ્રસ્તાન આવતા સ્થાનિક લોકોએ ભેગા મળીને મોટી સંખ્યામાં હોબાળો કરી વિરોધ કર્યો હતો, જેના કારણે સિવિલની એમ્બ્યુલન્સ મૃતદેહની દફનવિધિ વગર જ પાછી જતી રહી હતી. સોમવારે સાંજે કબ્રસ્તાનની બહાર એમ્બ્યુલન્સ મૃતદેહને લઈને આવતા 500 લોકોએ ભેગા મળી કોરોનાગ્રસ્ત લાશને અહીં દફનાવવા મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક અગ્રણીઓએ ત્યાં આવીને સિવિલના કર્મચારીઓને સમજાવ્યા હતા અને જણાવ્યું હતું કે સ્થાનિક મૃતદેહ હોય તો અમને દફનાવવા માટે વાંધો નથી પણ બહારના મૃતદેહને દફનાવવા વિરોધ છે.

અંતિમ વિધિને લઈને દરેક જગ્યાઓ પર મૃતદેહોની રઝળપાટ જોવા મળે છે
તંત્ર અને લોકોની વચ્ચે મહિલાનો મૃતદેહ 12 કલાકથી વધુ અંતિમવિધિ વગર રઝળતો રહ્યો હતો. જોકે મંગળવારે બપોરે સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓની સમજાવટ બાદ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મુસ્લિમ મહિલાની અંતિમવિધિ કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. હાલ લોકો કોરોના દર્દીઓ અને બીમારીથી ગભરાઈ રહ્યા છે. જેમાં આવા કોરોના દર્દીના મોત બાદ તેમની અંતિમ વિધિને લઈને દરેક જગ્યાઓ પર મૃતદેહોની રઝળપાટ જોવા મળે છે. બીજી બાજુ તંત્રની પણ આ બાબતે કોઈ યોગ્ય માર્ગદર્શિકા ન હોવાના કારણે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોની લાગણીઓ દુભાતી હોય છે.

અગાઉ ચીખલીમાં પણ વિરોધ થયો હતો
અગાઉ પણ નવસારીના એક કોરોનાગ્રસ્ત વ્યક્તિના મોત બાદ તેની અંતિમક્રિયા માટે મૃતદેહને ચીખલીના સ્મશાનગૃહમાં લઇ જવાતા ત્યાંના સ્થાનિક લોકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ મુસ્લિમ વ્યક્તિના મોત બાદ કબ્રસ્તાનમાં દફનવિધિ માટે પણ સ્થાનિકોએ નવસારીમાં વિરોધ નોંધાવ્યો હતો. કોરોનાની સારવાર બાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને આવી રીતે રઝળપાટ થાય એ તંત્રની ભારે બેદરકારી છતી કરે છે. તંત્ર દ્વારા વહેલી તકે આ બાબતે સચોટ માર્ગદર્શિકા બહાર પડે તો લોકોને રાહત થાય અથવા તો કોરોનગ્રસ્ત વ્યક્તિના મોત બાદ મૃતદેહોની અંતિમવિધિ માટે અલગ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે પણ જરૂરી છે.

આધારકાર્ડ પરથી મૃતદેહની ખાતરી કરાઇ
નવસારી દશેરા ટેકરીના કબ્રસ્તાનમાં આવેલો મૃતદેહ નવસારી બહારનો હોવાની વાતના લીધે સ્થાનિક લોકોએ તેની દફનવિધિ બાબતે વિરોધ કર્યો હતો. સિવિલની એમ્બ્યુલન્સને મૃતદેહ સાથે પરત મોકલી દીધી હતી, પરંતુ મુસ્લિમ અગ્રણીઓની સમજાવટ અને મૃતકનો આધારકાર્ડ દેખ્યા પછી લોકોએ મૃતદેહ નવસારીનો જ હોવાની ખાતરી કરીને પછી તેની અંતિમવિધિ કબ્રસ્તાનમાં કરવા દીધી હતી.