એકજ સમાજના યુવક યુવતીને પ્રેમલગ્ન બાદ બાયડના વસાદરા ગામના સમાજના લોકો હેરાન કરતાં યુવક યુવતીએ ન્યાયની માગણી સાથે પોલીસ વડાને પોતાની આપવીતી જણાવી….
સમાજમાં ઘણા કહેવાતા રૂઢિચુસ્ત લોકો પ્રેમલગ્નનો વિરોધ કરતા હોવાના અનેક કિસ્સા સામે આવે છે, આવોજ એક કિસ્સો બાયડ તાલુકાના વસાદરા માં સામે આવ્યો છે. જેમાં બાયડ તાલુકાના વસાદરા ગામના યુવકને જીતપુર ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતાં બંનેએ એક બીજાની સંમતિથી તા.૦૮/૦૨/૨૦૨૧ ના રોજ હિન્દુ રીતિ રિવાજ મુજબ કોર્ટમાં લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. યુવક યુવતી એકજ સમાજના હોવાથી તેમના પરિજનોએ પણ લગ્નને સંમતિ આપી સ્વીકારી લીધા હતા….
પરંતુ, સમાજમાં રહેલા અમુક કહેવાતા રૂઢિચુસ્ત લોકોને આ લગ્ન મંજૂર ન હોવાથી અને સમાજમાં અન્ય કોઈ પ્રેમલગ્ન ન કરે તેનો દાખલો બેસાડવા તેઓ આ યુગલને મારી નાખવાની ધમકી આપતાં પ્રેમલગ્ન કરનાર યુવક યુવતી રૂઢિચુસ્ત લોકોના ડરથી પોતાનું ઘર છોડી આમ તેમ દર બદર ભટકી રહ્યા છે….
છેવટે કોઈ આશરો ન રહેતાં યુવક યુવતીએ ન્યાયની આશા સાથે અરવલ્લી જિલ્લા પોલીસ વડાને પોતાની આપવીતી જણાવી ન્યાય માટે માંગણી કરી છે અને જો ન્યાય નહીં મળે તો આત્મહત્યાનું પગલું ભરવાની પણ ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળેલ છે….
અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી