સાંજે 4 વાગે શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે વડોદરાના રાજવી યુગલ શ્રીમંત સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે સુવર્ણ આવરણનો પ્રારંભ કરાવશે
વડોદરાના સુરસાગર સરોવરની મધ્યમાં બિરાજમાન 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા હવે સોનાનું આવરણ ધારણ કરશે. આ 111 ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના સત્યમ, શિવમ, સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આજે સાંજે 4 કલાકથી વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે વડોદરાના રાજવી શ્રીમંત મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે શિવજીને સોને મઢવાના પવિત્ર કાર્યનો મંગળ પ્રારંભ કરાવશે.
કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે તકેદારી સાથે કાર્યક્રમનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં આખું ભારત યુગોથી જેની ચાતક ડોળે પ્રતીક્ષા કરે છે એવા રામલલ્લાના મંદિરના નિર્માણનું ભૂમિપૂજન કરાવવાના છે. તેની સાથે જ વડોદરામાં શિવ સુવર્ણ આવરણ સમારોહ યોજાતા જાણે કે સોનામાં સુગંધ ભળી છે. આ કાર્યક્રમ કોરોના વિષયક ગાઇડલાઇનના પાલનની સંપૂર્ણ તકેદારી સાથે યોજવામાં આવી રહ્યો છે. સુરસાગર મધ્યે આવેલી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ વાઘા પહેરાવવા અંગેના કાર્યક્રમ અંગે રાજ્યના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. 111 ફૂટ ઉંચી પ્રતિમાને સુવર્ણ વાઘા પહેરાવવાના કરવામાં આવેલા આયોજનની સવારથી જ સુરસાગર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સુરસાગરને ભવ્યાતિભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે. આ સાથે સોનેરી અવસરને માણવા માટે પધારનાર સાધુ, સંતો, મહંતો, અગ્રણીઓ માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં સંતો અને સાધ્વીઓ ઉપસ્થિત રહેશે
શિવ સુવર્ણ આવરણ શુભારંભનો કાર્યક્રમ આજે બુધવારના રોજ સાંજના 4 વાગ્યે રાખવામાં આવ્યો છે. જેમાં રાજવી યુગલ સુરસાગરની મધ્યમાં શિવ પ્રતિમા ચરણ કમળ સ્થાને ભગવાન શિવજીની છડી લઈને પૂજન સ્થાને જશે. આ પ્રસંગે પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ, વ્રજરાજ કુમાર મહોદય, જૈન સાધુ મહારાજો, સ્વામી નારાયણ સંપ્રદાયના, ગાયત્રી પરિવારના, બ્રહ્માકુમારીના સંતો, સાધ્વીઓ, વિગેરે ઉપસ્થિત રહેશે.