‘કોરોના પોઝિટિવના નામ જાહેર કરી પ્રજાહિતમાં પગલા ભરો’ના બેનર સાથે કોંગ્રેસની ફૂટપાથ પર ધરણા સાથે રામધૂન, અટકાયત

0
328

મંજૂરી મળી ન હોવા છતાં કોંગી નેતાઓ બેનરો સાથે ધરણાં પર બેઠા

રાજકોટ મનપાએ 26 જુલાઇથી પોઝિટિવ આવતા દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ કરી દીધું છે. જેથી કોંગ્રેસે વિરોધ કર્યો છે અને નામ જાહેર કરવાની માંગ કરી છે, પરંતુ મનપાએ નામ જાહેર કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કહેતા આજે કોંગી નેતાઓ મનપા કચેરી બહાર ફૂટપાથ પર ધરણા પર બેઠા છે. મંજૂરી મળી ન હોવા છતાં કોંગી નેતાઓ ‘કોરોના પોઝિટિવના નામ જાહેર કરી પ્રજાહિતમાં પગલા ભરો’ના બેનરો સાથે ધરણાં પર બેઠા છે. વિપક્ષ નેતા વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા સહિત કોંગ્રેસના નેતાઓ ફૂટપાથ પર ધરણા બેસી રામધૂન બોલાવી હતી.જેથી પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી છે.

‘હાય રે મનપા કમિશનર હાય હાય’ના નારા લગાવ્યા
મનપા કચેરી બહાર મનપાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા, મનસુખ કાલરિયા, અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા ધરણા પર બેઠા છે. આ સાથે જ તેઓએ ‘હાય રે કમિશનર હાય હાય’ના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે ભાજપના કાર્યક્રમમાં ટોળાં એકત્ર કરવાની છૂટ અને બીજી તરફ પોલીસે કોરોના સંક્રમણ ફેલાય શકે છે તેવા બહાના હેઠળ મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે. જેથી કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટ કોંગ્રેસે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના નામની યાદી જાહેર ન કરાતા કોંગ્રેસ ગઈકાલે રાજકોટ શહેર પોલીસ કમિશનર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસે એક અઠવાડિયા સુધી ધરણાંની મંજૂરી પોલીસ પાસે માગી હતી. પરંતુ પોલીસે મંજૂરી ન આપતા કોંગ્રેસના કોર્પોરેટરો પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા. મનપાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા, મનસુખ કાલરિયા, અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાએ નામ રજૂ કરવા માટે કમિશનરને રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ કમિશનરે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.