ભાવનગરમાં ગેરકાયદે ધમધમતા બાયોડીઝલના ૬ પંપ સિલ

0
167

સિટી-ગ્રામ્ય મામલતદાર તથા પુરવઠા વિભાગે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં અડધા કરોડનો મુદ્દામાલ કબ્જે

ભાવનગર શહેર-જિલ્લામાં વિના પાસ પરમિટે ધમધમતા બાયોડીઝલ વેચાણના પંપ પર તંત્રએ તવાઈ બોલાવતા ગેરકાયદે બાયોડીઝલનો વેપલો કરતાં શખ્સોમા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈ કાલે રાત્રે શરૂ કરવામાં આવેલી કાર્યવાહી હજું પણ શરૂ હોવાનું અધિકારીઓ એ જણાવ્યું છે. જેમાં 5 પંપ સીલ કરાયા હતા અને 1 પંપ સિઝર કરવામાં આવ્યો હતો.

દેશમાં સરકાર-ઓઈલ કંપનીઓ દ્વારા વાહનોમાં વપરાતાં ઇંધણોના ભાવોમાં અસહ્ય વધારો કરાતાં રાજ્યમાં રેગ્યુલર ડીઝલ જેવું જ ફ્યુઅલ “બાયોડીઝલ”નું ઉત્પાદન,વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ફ્યુઅલની દરરોજ વધતી જતી માંગને પગલે ઠેર ઠેર બિલાડીના ટોપ માફક બાયોડીઝલના પંપના હાટડાઓ શરૂ થયા છે.

રાજ્ય સરકારે પણ આ બાયોડીઝલના ઉત્પાદન-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણકે આ ડીઝલના ઉપયોગથી પારાવાર પ્રદૂષણ ફેલાય છે અને વાહનોના એન્જિનને પણ નુકશાન પહોંચે છે. આમ છતાં આ સસ્તાં ઇંધણનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ તથા વેચાણ થઈ રહ્યું છે, જેને પગલે શહેર, ગ્રામ્ય મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમો દ્વારા બાયોડીઝલના ગેરકાયદે ચાલતા એકમો સિલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જે અંતર્ગત ભાવનગર શહેર તથા ગ્રામ્ય મામલતદારની ટીમો તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે શહેરના નારી ચોકડી ખાતે આવેલ એક પંપ કરદેજ ગામે 4 તથા ઊંડવી ગામે 1 મળી કુલ 5 પંપ ને સિલ કર્યા હતા જ્યારે એક પંપને સિઝર કર્યો હતો જ્યાં 6 હજાર લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો તથા પંપ, ફ્યુઅલ સપ્લાય કરતી ઈલેક્ટ્રીક મોટર બેરેલ સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, બાકી બીજી 5 જગ્યાએથી ટેન્કો, વાહનો મળી સહિત લગભગ અર્ધા કરોડ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતાં આસામીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી આજે સવારે પણ યથાવત શરૂ રહેતા કબ્જે કરાયેલા મુદ્દામાલની રકમ અંદાજે અર્ધા કરોડના આંક ને પાર કરે એવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે. આ સંદર્ભે મામલતદારોનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે હજું કામગીરી શરૂ છે. કાર્યવાહી પૂર્ણ થયે સમગ્ર માહિતી ડીકલેર કરવામાં આવશે પરંતુ આ દરોડાને પગલે બાયોડીઝલનું વેચાણ કરતાં આસામીઓ માં ભારે ફફડાટ ફેલાયો છે અને મોડી રાત્રે દરોડા ના સમાચાર મળતા અનેક પંપ ધારકોએ બાયોડીઝલ નો જથ્થો તથા સાધન સહિતનો મુદ્દામાલ સગેવગે કરવા આખી રાત કસરત કરી હતી.

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here