ભાવનગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના ૫૦,૦૦૦ લીટરના જથ્થા સહિત ૫૦ લાખનો મુદ્દામાલ સીઝ

0
109

ભાવનગર ગ્રામ્ય મામલતદાર મૌસમ જાસપુરીયા તેમની ટીમની મધરાત્રે દિલધડક કામગીરી

જિલ્લામાં બાયોડીઝલના ખરીદ-વેચાણ અંગે કોઇ ગેરરીતિ ધ્યાને આવે તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરીનો સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરાયો

ભાવનગર તાલુકાનાં વિવિધ સ્થળોએ તા.૧૬/૦૮/૨૦૨૧ ના રાત્રીના સમયે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહયું હોવાની જાણકારી મળતાં જેની આકસ્મિક ચકાસણી હાથ ધરી જિલ્લા પુરવઠા અઘિકારી ભૂમિકા વાટલિયા અને સીટી મામલતદાર ધવલ રવૈયાના માર્ગદર્શનમાં ગ્રામ્ય મામલતદાર મૌસમ જાસપુરીયા અને ટીમ ભાવનગર (ગ્રામ્ય) સાથે નારી ચોકડી, ઉંડવી અને કરદેજ ખાતે દરોડા પાડી સમગ્ર રાત્રિ દરમ્યાન કરવામાં આવેલ તપાસણીની કાર્યવાહીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનો અંદાજિત ૫૦,૦૦૦ લીટરનો જથ્થો મળીને કુલ રૂ.૫૦,૦૦,૦૦૦/- કિંમતનો જથ્થો સરકાર વતી સીઝ કરવામાં આવ્યો હતો.

ગ્રામ્ય મામલતદાર મૌસમ જાસપુરીયાએ એક મહિલા હોવાં છતાં મક્કમ મનોબળથી મધ્યરાત્રિએ ગેરકાયદે આ રીતે બાયો ડિઝલનો વેપલો કરતા લોકોને ઝડપી પાડીને જિલ્લામાં આ રીતે બાયો ડિઝલનું વેચાણ કરતા લોકો સામે કડક હાથે કામ કરવામાં આવશે તેનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

આ સીઝ કરેલ જથ્થા પૈકી બાયોડીઝલના નમુના પૃથક્કરણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવશે. પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ સદરહું પેઢીના માલીક વિરુદ્ધ મહેસુલી કલેકટર, ભાવનગરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે, ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ/વેચાણ કરવુ કાયદેસરનો ગુન્હો બને છે. વઘુમાં જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે, જિલ્લામાં બાયોડીઝલના ખરીદ/વેચાણ અંતર્ગત કોઇ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરવો અથવા dso-bav@gujarat.gov.in પર ઇ-મેઇલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here