- અયોધ્યાની જેમ જ વરાછા વિસ્તારના માનગઢ ચોકને શણગારવામાં આવ્યો
- રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણીનો માનગઢ ચોકમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો
સુરત અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે તેની ઉજવણી સુરતમાં જોવા મળી રહી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ફટાકડા ફોડીને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.
માનગઢ ચોક શણગારાયો
અયોધ્યામાં રામમંદિર શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. અયોધ્યાની જેમ જ વરાછાના માનગઢ ચોકને શણગારવામાં આવ્યો છે. માનગઢ ચોકથી જ કાર સેવા વખતે મુખ્ય હલચલ થઈ હોવાથી અહિંથી જ શિલાન્યાસ વખતે મુખ્ય કાર્યક્રમ રખાયો છે. આ વિસ્તારને શણગારવામાં આવ્યો છે. ફટકડા ફોડવા સહિતના કાર્યક્રમ સાથે 51 કિલો સુખડીનો પ્રસાદ વિતરીત કરવામાં આવ્યો છે.
પ્લાઝમા ડોનેટ કેમ્પ યોજાયો
દરેક હિન્દુ પરિવાર તેમના ઘરે સાંજે સાત વાગ્યે દીપ પ્રગટાવશે. આ સાથે જ કોરોનાગ્રસ્ત થયા બાદ તેમાંથી સાજા થઈને પરત આવેલા લોકો દ્વારા અન્ય કોરોનાના દર્દીઓને બચાવવા માટે પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો છે. જેને લઈને પ્લાઝમા ડોનેટ કેમ્પ પણ યોજવામાં આવ્યો છે.
રાસ લઈને ઉજવણી પણ કરવામાં આવી
સુરત ખાતે રામ ભક્તોમાં તહેવાર જેવો માહોલ જામ્યો છે. ઢોલ નગારા, ગુલાલ, ફટાકડા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન રામ ભક્તો દ્વારા રાસ લઈને ઉજવણી પણ કરવામાં આવી હતી.