મુંબઈ સ્થિત જ્વેલરી ટ્રેડિંગ કંપની ઓરો ગોલ્ડ જ્વેલરી પ્રા. લિ. અને તેના ડાયરેક્ટરો અમૃતલાલ જૈન અને રિતેશ જૈને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ. 387 કરોડની છેતરપિંડી કરી હોવાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસબીઆઈ દ્વારા સીબીઆઈના એસપી અને એન્ટી કરપ્શન શાખાને પણ છેતરપિંડી અને સંકળાયેલી પાર્ટીઓની વિગતો આપવામાં આવી છે.
અમૃતલાલ અને રિતેન સાથે ફરિયાદમાં અન્ય ત્રણ લોકોનાં નામ પણ નોંધવામાં આવ્યાં છે. 10 સપ્ટેમ્બર, 2014ના રોજ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં આ છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો હતો. આ છેતરપિંડી મુંબઈમાં 2011- 2-15 વચ્ચે થઈ હતી. આરોપીઓએ બેન્કના ભંડોળના ખર્ચે ગેરકાનૂની રીતે લાભ મેળવવા માટે અકાઉન્ટ્સ અને દસ્તાવેજોમાં ચેડાં કર્યાં હતાં, એમ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
હીરાના વેપારી અને ઓરો ગોલ્ડ જ્વેલરી કંપનીના માલિક રિતેશ જૈન સામે બોગસ કંપનીઓ થકી રૂ. 1478 કરોડનો મની લોન્ડરિંગનો કેસ પણ છે. માર્ચમાં તે દુબઈથી આવતાં મુંબઈ પોલીસે તેને ઝડપી લીધો હતો. તે ડિસેમ્બર 2016થી ફરાર હતો.મુંબઈમાં એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ જૈન સામે છેતરપિંડી અને ફોજદારી કાવતરાની ફરિયાદ સપ્ટેમ્બર 2017માં નોંધાવવામાં આવી હતી. જૈન દ્વારા ફરિયાદીને નામે બોગસ કંપની સ્થાપીને અને દસ્તાવેજોમાં ચેડાં કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદના ખાતામાંથી કરોડોની લેણદેણ જૈને કરી હતી. નવેમ્બર 2016માં એનએમ જોશી માર્ગમાં જૈન અને તેના પિતા અમૃતલાલે નોટબંધી પછી બોગસ કંપનીઓમાં રૂ. 100 કરોડ જમા કર્યા હતા એવો આરોપ કરાયો હતો.