નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી.
- કેન્દ્રમાં લેઉવા અને કડવા પાટીદારને સ્થાન મળતાં બિલકુલ સંતોષ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા રાજકોટ બાદ ગોંડલ અને બાદમાં ખોડલધામ પહોંચી હતી. મનસુખ માંડવિયાએ મા ખોડલનાં દર્શન કર્યાં હતાં અને ધ્વજારોહણ પણ કર્યું હતું તેમજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તેમની રજતતુલા પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખોડલધામમાં રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ છે, પરંતુ નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે ખોડલધામમાં રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ છે, પણ લેઉવા પટેલનો દીકરો કેન્દ્રીય મંત્રી બનીને આવે તો તેને આવકારવો જરૂરી છે અને તેમને અમે આવકારીએ છીએ.
પાટીદારોના ખંભે આરોગ્ય એ ગૌરવની વાત
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજે લેઉવા પટેલ સમાજ માટે ગૌરવની વાત છે. મનસુખ માંડવિયાને કેન્દ્રીયમાં અને એમાં પણ આરોગ્યના મંત્રી તરીકે જવાબદારી મળી છે, તેઓ આજે ખોડલધામ આવ્યા છે. તેમના ખંભે કેન્દ્ર સરકારે જે જવાબદારી મૂકી છે એ પૂરી તાકાતથી નિભાવે એવી મા ખોડલા પાસે પ્રાર્થના કરું છું. મનસુખ માંડવિયાએ પાટીદાર એટલે ભાજપ એવું રાજકોટમાં નિવેદન આપ્યું હતું તેવા મીડિયાના સવાલ વિશે નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ તો મનસુખભાઇનો વ્યક્તિગત વિચાર છે. કેન્દ્રમાં લેઉવા અને કડવા પાટીદારને સ્થાન મળતાં બિલકુલ સંતોષ છે. આરોગ્ય પાટીદારોના ખંભે આપવામાં આવ્યું છે એ સમાજ માટે ગૌરવની વાત છે. મને ક્યારેય સમાજને લઇને રંજ હતો જ નહીં. દરેક સમાજને પોતાનો હક્ક માગવાનો અધિકાર છે. જરૂર પડશે ત્યારે હક્ક માગતા રહીશું.

માંડવિયાએ ખોડલધામમાં મા ખોડલનાં દર્શન કર્યાં.

મા ખોડલનાં દર્શન કરતા મનસુખ માંડવિયા.
નરેશ પટેલે મુખ્યમંત્રી પાટીદાર સમાજના હોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે. ત્યારે બે મહિના પહેલાં ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ બેઠક મળવાના સમાચાર વહેતા થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો હતો.

મનસુખ માંડવિયાએ ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું.
નરેશ પટેલે AAPનાં વખાણ કર્યા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું હતું કે કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં એનું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. ‘આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાય રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી. ચૂંટણી સમયે જ સમાજ યાદ આવતો હોય તેવો ઘાટ દર વખતની ચૂંટણીમાં જોવા મળે છે. નરેશ પટેલે તાજેતરમાં જ ખોડલધામમાં યોજાયેલી લેઉવા-કડવા પાટીદારની બેઠકમાં આમ આદમી પાર્ટીનાં વખાણ કર્યા હતા.