તા.20 મી ઓગસ્ટે પવિત્ર શ્રાવણ પર્વે સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ અને ભારતના માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે યાત્રિ સુવિધા ના અનેક વિધ પ્રોજેક્ટ નું ઇ-લોકાર્પણ અને શિલાન્યાસ થશે.

સોમનાથ તીર્થ રાષ્ટ્રીય તીર્થ છે, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશથી પ્રતિવર્ષ કરોડો શ્રધ્ધાળુંઓ આવતા હોય છે, યાત્રી સુવિધાના મહત્વના પ્રોજેક્ટ સમુદ્ર દર્શન પથ (પ્રોમોનેડ), સોમનાથ એક્ઝીબીશન ગેલેરી, માતો અહલ્યાબાઇ નિર્મિત જૂના સોમનાથ મંદિર (1783) નવનિર્મિત પરિસર ના લોકાર્પણ ટ્રસ્ટના માન.અધ્યક્ષ અને માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે કરવામાં આવશે. તેમજ નુતન પાર્વતી મંદિર ની શિલાન્યાસ વિધી કરવામાં આવશે.

પ્રોમોનેડ સોમનાથ ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ૧.૪૮ કિ.મી. લાંબા (વોક-વે) સમુદ્ર દર્શન પથ (પ્રોમોનેડ) બનાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાનું પાણી મંદિર તરફ આવતું અટકાવવાનો તેમજ મંદિરની દીવાલને રક્ષણ આપવાનો છે. આ વોક-વે માં દરિયા બાજુ ટેટ્રાપોડ ગોઠવી ધોવાણ થતું અટકાવવામાં આવ્યું છે. વોક-વે પર યાત્રિકોને બેસવાની પણ વ્યવસ્થા કરેલ છે. આ પ્રોજેક્ટમાં પ્રવેશ માટે તેમજ બહાર નીકળવા માટે બે જગ્યાએ સીસીટીવીથી સજ્જ કેબીન બનાવવામાં આવેલ છે જેથી પ્રવેશ તેમજ નિકાસ ને નિયંત્રણ કરી શકાય. આ વોક-વે પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલ છે. અહીં પ્રવેશમાં દીવાલની બંને બાજુમાં આકર્ષક પૌરાણીક આધ્યાત્મિક ચિત્રો દોરવામાં આવેલ છે તથા બાળકોના મનોરંજન માટે રસ્તા પર સ્ટ્રીટ ગેમ્સ પણ રાખવામાં આવી છે. વોક-વે માં થોડાક અંતરે સુશોભિત લાઇટના પોલ ગોઠવેલ છે. વોક-વે ની એકબાજું લેન્ડસ્કેપીંગ કરી સુંદર બનાવવામાં આવેલ છે. વોક-વે નિર્માણનો કુલ ખર્ચ રૂ।.47.55 કરોડ થયેલ છે. વોક-વેના નિર્માણથી સ્થાનિક રોજગારી વધશે તેમજ દેશ-વિદેશથી આવતા યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રોમોનેડ વોક-વે માં પ્રવેશ માટે રૂ।. ૦પ/- ની ટીકીટ રાખવામાં આવેલ છે. ૧૦ વર્ષથી નીચેનાને ફ્રિ પ્રવેશ આપવામાં આવશે. આ ટીકીટ ૦૨ કલાકના સમય માટેની રહેશે. સોમનાથ એક્ઝીબીશન ગેલેરી (સંગ્રહાલય) શ્રી સોમનાથ મંદિરના હજારો વર્ષના ઇતિહાસમાં મંદિરના વિધ્વંસ અને પૂનઃ નિર્માણની પ્રક્રિયા ચાલતી રહી છે. ભુતકાળમાં મંદિરની ભવ્યતા આ વિસ્તારમાં પ્રાપ્ત થતાં શિલ્પો માંથી જોવા મળે છે. ઇ.સ. 11-12 મી સદી અને અગાઉનાં પ્રાપ્ત મંદિરોના અવશેષોનું સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરી મંદિર-સ્થાપત્યની ઝલક આપતા સંગ્રહાલય ની રચના કરવામાં આવી છે. ભૂતકાળના મંદિરોના અવશેષો દ્વારા શ્રી સોમનાથ મંદિરના ઇતિહાસની સિલસિલાબંધ વિગતો યાત્રાળૂઓના ધ્યાને મૂકવા માટે, તેમજ ભારતનાં મંદિરોમાં રહેલી શિલ્પ અને સ્થાપત્યની અનેક વિશેષતાઓ રજૂ કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે મંદિર, શિલ્પ અને સ્થાપત્યના વિષય ઉપર આ આગવા સંગ્રહાલયની ગોઠવણ કરી છે. આ સંગ્રહાલયના ભૂતકાળના મંદિરના નિર્માણ પાછળ રહેલાં પ્રતિકો, ભાવનાઓ તથા સમગ્ર વ્યવસ્થાને ભૌતિક, આધ્યાત્મિક રીતે સારી રીતે સમજી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણાં પૂર્વજોની અનેકવિધ સિદ્ધિઓમાં મંદિર નિર્માણને આપણે અગ્રસ્થાને મૂકી શકીએ. આનું જીવંત નિદર્શન જોવું હોય અને સમગ્ર વિષય વસ્તુને સમજવું હોય તો આ સંગ્રહાલયની મુલાકાત લેવી રહી, જે આપનું જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે. આ સંગ્રહાલયના પ્રોજેક્ટ(બાંધકામ અને ફર્નીચર)નો ખર્ચ રૂપીયા 1.30 કરોડ થયો છે. માતો અહલ્યાબાઇ નિર્મિત જૂના સોમનાથ મંદિર પરિસર ખાતે આવેલ પરિસરના ડેવલોપમેન્ટનું કામ કરવામાં આવેલ હતું. જેના બાંધકામ નો ટોટલ એરીયા 1800 ચો.મી. જેટલો થાય છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફસ્ટ ફ્લોર એમ કુલ 2 માળ છે. બહારથી દાખલ થતા જ ગ્રાઉન્ડ ફ્લોરમાં જવા માટે નો રેમ્પ આવેલ છે. રેમ્પમાંથી નીચે ઉતરતા જ વિશાળ 30 મી X 9 મી (270 ચો.મી.) નો કોર્ટયાર્ડ આવેલ છે. જેમાં યાત્રિકો ને બેસવા માટેની સગવડ કરેલ છે. તેમજ કોર્ટયાર્ડની ફરતે બંને બાજુમાં કુલ 15 દુકાનો આવેલ છે. જેમાં યાત્રિકો માટે પ્રસાદ, બીલીપત્ર, ફૂલહાર, જેવી વસ્તુઓના વેચાણ માટે છે. તે ઉપરાંત એક લીફ્ટ શાફ્ટનું આયોજન કરવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં જરૂર જણાય તો ફસ્ટ ફ્લોરથી ગ્રાઉન્ડ ફ્લોર માટે લીફ્ટ સ્થાપિત કરી શકાય. ફસ્ટ ફ્લોર પર બંને બાજુ 31 મી X 5 મી (155 ચોમી) ના બે વિશાળ હોલ બનાવેલ છે. કોર્ટયાર્ડમાં માતા અહિલ્યાબાઇ હોલ્કરની પ્રતિમા મુકી માતો અહલ્યાબાઇને પણ યાદ કરવામાં આવ્યા છે. અહલ્યાબાઇ નિર્મિત જૂના સોમનાથ મંદિરના પરિસરના નિર્માણ માટે 3.5 કરોના ખર્ચે થયેલ છે.

શ્રી પાર્વતી મંદિર સોમનાથ ખાતે મુખ્ય મંદિરના પ્રાંગણમાં પાર્વતી મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ મંદિરના બાંધકામનો કુલ એરિયા આશરે 1650 ચો.મી. જેટલો છે. મંદિરના શિખરની ઉંચાઇ જમીનથી 71 ફૂટ છે. આ મંદિર અંબાજીના આરસમાંથી બનાવવામાં આવશે. નુતન પાર્વતી મંદિર માટે ભીખુભાઇ કેશુભાઇ ધામેલીયા પરીવાર તરફથી દાન મળ્યું છે. મંદિરમાં કુલ 44 સ્તંભ બનશે જેને માર્બલમાં સુંદર કોતરણી કામ કરી ને મઢવામાં આવશે. મંદિરના ગર્ભગૃહ નો એરિયા આશરે 380 ચો.મી. જેટલો છે તથા નૃત્ય મંડપનો એરિયા આશરે 1250 ચો.મી. છે. પાર્વતી મંદિરનું નૃત્ય મંડપ તથા મુખ્ય મંદિરનું નૃત્યમંડપ બંને એકજ સપાટી એ આવશે. મંદિર નિર્માણનો કુલ ખર્ચ આશરે રૂપીયા 30 કરોડ જેટલો થશે. માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે યોજાયેલ આ વર્ચયુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં માન.ગૃહમંત્રી, ભારત સરકાર અને સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી અમિતભાઇ શાહ, માન. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી ગુજરાત, માન. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત, માન.પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, માન. પ્રમુખ જીલ્લા પંચાયત રામીબેન વાજા, ટ્રસ્ટના માન.ટ્રસ્ટી જે.ડી.પરમાર તથા ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લહેરી જોડાશે.
અહેવાલ- પરાગ સંગતાણી, સોમનાથ