વેરાવળમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા
ગીર સોમનાથ સૌરાષ્ટ્રમાં આજે બુધવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળઈ રહ્યું છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં 1 ઈંચથી 10 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ફરી વેરાવળમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. વેરાવળમાં બપોરના 12થી 2 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગઈકાલના વરસાદી પાણી ઓસર્યા નથી ત્યારે ફરી આજે 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આથી રસ્તાઓ પર પણ ગોઠણડૂબ પાણી ભરાયા છે.
સારા વરસાદથી કપાસ અને મગફળીના પાકને ફાયદો
ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલથી મેઘમહેર યથાવત રહી છે. આજે પણ સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે કપાસ અને મગફળીના પાકને ફાયદો થતા ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં સર્વત્ર વરસાદથી ગરમીમાંથી પણ લોકોને થોડી રાહત મળી છે.
સૌરાષ્ટ્રમાં ગઈકાલે 1થી 10 ઈંચ વરસાદ પડ્યો હતો
સૌરાષ્ટ્રમાં ગઈકાલે ચારે તરફ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં 1 ઈંચ, અમરેલીના ચલાલામાં 5 ઈંચ, વેરાવળમાં 5 ઈંચ, ગીર સોમનાથમાં 4 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, ધારીમાં 3 ઈંચ, બાબરામાં 3 ઈંચ, ઉપલેટામાં 2 ઈંચ, જુનાગઢમાં 3 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.