નજરે જોનારે કહ્યું, ક્રેટાનો ચાલક સગીર વયનો અને બેફામ રીતે ચલાવતા અકસ્માત થયો હતો
અમદાવાદ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આજે સવારે એક ક્રેટા કારના ચાલકે એક સ્કૂટરચાલક અને રાહદારીને અડફેટે લીધા હતા. જેમાં રસ્તા પર જતા યુવાનનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ કાર સગીર ચલાવતો હતો. અકસ્માતની ઘટનાની તપાસ માટે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
કેટલાક લોકો સાવચેતી દાખવતા બચી ગયા
સાયન્સ સિટી રોડ પર ક્રેટા કાર (GJ02CA8398)ની અડફેટે એક રાહદારી અને સ્કૂટર ચાલક આવી ગયા હતાં. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કારની સ્પીડ ખૂબ વધારે હતી. જેના કારણે કારચાલકે એક પછી એક લોકોને પોતાની કારની અડફેટે લીધા હતા. ચાલક બેફામ કાર હંકારતા સાવચેત થયેલા બીજા લોકો તેમાં બચી ગયા હતાં. પરંતુ એક સ્કૂટર ચાલક ઘાયલ થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડાયો છે. બીજી તરફ આ અકસ્માતમાં રોડ પર જતાં રાહુલ નામના યુવાનનું મોત થયું હતું.
પોલીસે કારને કબજે કરી તપાસ હાથ ધરી
આ અંગે ટ્રાફિક એ ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર પી. બી. ખાંભલાએ જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ પરથી ગાડી કબજે કરવામાં આવી છે. ગાડી નંબરના આધારે કારચાલક કોણ હતો તેની તપાસ કરી રહ્યા છે.