સુરત વિનસ હોસ્પિટલના 34 વર્ષીય RMO હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત, પોઝિટિવ કેસનો આંક 14,665

0
430
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના સંક્રમિતમાં 443 દર્દીઓ ગંભીર
  • શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 643 અને કુલ 10,321 રિકવર થયા

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 14,665 પર પહોંચી ગઈ છે. દરમિયાન આજે વિનસ હોસ્પિટલના 34 વર્ષીય RMO હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 643 લોકો કોરોનામાં મોતને ભેટી ચૂક્યા છે. હાલ 3701 લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે. જ્યારે ગત રોજ 261 લોકો સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 10,321 લોકો કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચૂક્યા છે.

હિતેશ લાઠીયાએ એક મહિનો કોરોના વોર્ડમાં કામ પણ કર્યું હતું
વિનસ હોસ્પિટલના 34 વર્ષીય RMO હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. હિતેશભાઈ BHMS થયેલા હતા. હિતેશભાઈ પત્ની, માતા અને બાળકો સાથે રહેતા હતા અને વિનસ હોસ્પિટલના RMO તરીકેની જવાબદારી નિભાવતા હતા. દરમિયાન એક મહિનો કોરોના વોર્ડમાં કામ પણ કર્યું હતું. ત્યારબાદ તેમને લાઈટ ડ્યુટી અપાઈ હતી. 20 દિવસ પહેલા તાવ આવ્યો એટલે હોમ ક્વોરન્ટીન કરી દેવાયા હતા. જોકે, તાવ અને શ્વાસની તકલીફ વધી જતાં વિનસ હોસ્પિટલમાં જ દાખલ કરાયા હતા. 4 દિવસ વેન્ટિલેટર પર અને 5 દિવસ એડવાન્સ ECMO મશીન પર રખાયા હતા. જોકે તબિયતમાં કોઈ સુધારો થયો નહી. ગઈકાલે બ્રેઇન ડેડ થઈ ગયા હતા અને એટલે પરિવારની પરવાનગી લેવા વાતચીત ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે છેલ્લા શ્વાસ લઈ મોતને ભેટ્યા હતા. વિનસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોરોના વોરિયર હિતેશભાઈને તિરંગામાં લપેટી ભાવભીની વિદાય આપી હતી.

સુરત સિટીમાં 11,791 અને ગ્રામ્યમાં 2874 કેસ
સુરત સિટીમાં કુલ 11,791 કેસ અને 518 મૃત્યુઆંક થયો છે. ગ્રામ્યમાં 2874 કેસ અને મૃત્યુઆંક 124 થયો છે. સિટી-ગ્રામ્ય મળી કુલ કેસ 14,665 અને મૃત્યુઆંક 643 થયો છે. સિટીમાં ગત રોજ 181 દર્દીને રજા અપાતા કુલ 8291 દર્દી સાજા થયા છે. જ્યારે ગ્રામ્યમાં 80ને રજા અપાતા કુલ 2103 દર્દી સાજા થયા છે. સુરતમાં કુલ 10,394 દર્દી અત્યાર સુધી સાજા થઇ ચૂકયા છે.

કોરોના પોઝિટિવ પૈકી 23 દર્દીઓ વેન્ટિલેટર પર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 643 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 344 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 326 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 14 વેન્ટિલેટર, 35 બાઈપેપ અને 277 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 157 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 117 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટિલેટર, 31 બાઈપેપ અને 77 દર્દીઓ ઓક્સિજન પર છે.