સોમનાથ ખાતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શ્રી પાર્વતી માતાના મંદિર નિર્માણ પ્રસંગે શાસ્ત્રોક્તવિધિ શિલાપૂજન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

0
299

રૂા. ૩૦ કરોડના ખર્ચે પાર્વતી માતાનું મંદિર બંધાવી રહેલા ધામેલીયા પરિવારના સભ્યોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી

પાર્વતી માતાનું મંદિર સોમનાથની ભવ્યતા-દિવ્યતા વધારો કરશે : મંદિર અંબાજીના આરસથી બંધાશે : ૪૪ સ્તંભો અને નૃત્યમંડપ આકર્ષણનું કેન્દ્ર બનશે

ગીર-સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો માધ્યથી સોમનાથ તીર્થસ્થળના પ્રકલ્પોનું લોકાર્પણ શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સોમનાથ ખાતે પ્રત્યક્ષ હાજર રહી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સહભાગી થવા અંગે આભાર માની સોમનાથ પરિસરમાં શ્રી પાર્વતી માતાના મંદિર નિર્માણ કાર્યનું શિલાપૂજન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૂા. ૩૦ કરોડના ખર્ચે સોમનાથ પરીસરમાં શ્રી પાર્વતી માતાનું મંદિર બંધાવી રહેલા ભીખુભાઇ ધામેલીયા અને ધામેલીયા પરિવારને આ સદકાર્ય-પુણ્યકાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી આ પ્રસંગે મંદિરના શીલાપૂજન શાસ્ત્રોક્ત વિધિમાં સહભાગી થયા હતા. પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા પણ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી આ પ્રસંગે સહભાગી થયા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી અને ટ્રસ્ટી જે.ડી.પરમારે પણ આ તકે મુખ્યમંત્રીને સોમનાથમાં હાથ ધરવામાં આવેલ વિકાસકાર્યોની માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્વતી માતાનું મંદિર અંબાજીના આરસથી બંધાશે. શ્રી પાર્વતી માતાના મંદિરમાં ગરીમા પુર્ણ અને આગવું સ્થાપત્ય રહેશે. ૪૪ સ્તંભ કોતરણી યુક્ત અને વિશાળ નૃત્ય મંડપ બનાવવામાં આવશે. મંદિરનું શિખર ૭૧ ફુટની ઉંચાઇનું બનશે. આજના આ શિલાપૂજનના કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એજ્યુકેટીવ ઓફીસર દીલીપભાઇ ચાવડા સહિત સોમનાથ પરિવારના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે સોમનાથના બે દિવસના કાર્યક્રમ દરમ્યાના સોમનાથ રેન્જના મનિન્દરસિંઘ પવાર, કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી સહિતના અધિકારીઓએ જુદી જુદી વ્યવસ્થાઓ પ્રોટોકોલ કામગીરીમાં સંકલન કર્યું હતું.

અહેવાલ- પરાગ સંગતાણી, સોમનાથ