જનહિત ને લગતા કામો તેમજ પડતર અરજીઓ – તુમારોનો સમયસર નિકાલ કરીએ – જિલ્લા કલેકટર સુજલ મયાત્રા
પંચમહાલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે જીલ્લા સેવા સદન-૧ ના સભાખંડમાં યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિત ને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નો ને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. વિવિધ વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજૂ કરી હતી જ્યારે બાકી લક્ષ્યાંક સામે જિલ્લા કલેકટર એ ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી અને ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કલેકટર દ્વારા અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્ર ની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી દ્રારા લોકસુખાકારીના પ્રશ્નોની રજૂઆત કરી હતી જેથી કલેકટરએ પ્રત્યુત્તર આપી ઝડપથી પ્રશ્નોના નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા, પ્રાયોજના વહીવટદાર, ડીઆરડીએ ડાયરેક્ટર, ડીવાયએસપી હિમાલા જોષી, પ્રાંત અધિકારીઓ, સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.