લાઠી અને રાજુલામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડી, ઘરો ભૂકંપની જેમ ધ્રુજ્યા, દ્રશ્યો કેમેરામાં કેદ

0
456
  • અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
  • ભારે વરસાદથી લાઠી પંથકમાં નદી-નાળા છલકાયા

અમરેલી આજે બુધવારે પણ લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વીજળીના કડાકા ભડાકાથી ઘરો ભૂકંપની જેમ ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડી હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જો કે, વીજળી પડવાથી કોઈ જાનહાનિ થઈ નથી. રાજુલામાં પણ ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

કડાકા ભડાકાથી ઘરો ભૂકંપની જેમ ધ્રુજ્યા
લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકાથી ઘરો પણ ભૂકંપની જેમ ધ્રુજી ઉઠ્યા હતા. લોકો ભયંકર વીજળીને કારણે ઘરમાં જ પૂરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેતરો બહાર પાણી નીકળી ગયા છે. આથી જમીનના પાણીના તળ ઉંચા આવશે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે. સારા વરસાદથી નદી-નાળા પણ છલકાયા છે.

અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
અમરેલી શહેરમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદથી શહેર પાણી પાણી બની ગયું છે. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલીના વડેરા, નાના ભંડારીયા, માંગવાપાળ સહિતના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજુલા શહેર અને દરિયાઈકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રસ્તાઓ પાણી પાણી બન્યા છે. રાજુલાના સાંચબંદર, ખેરા, વિક્ટર, દાતરડી, ડુંગર, દેવકા, માંડળ સહિતના ગામો અને રાજુલા કોસ્ટલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here