વડોદરા શહેર અને જિલ્લામાં 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ, ખેડૂતોમાં ખુશી

0
342

વડોદરા જિલ્લામાં આ વર્ષે ખુબ જ ઓછો વરસાદ, ડેસર તાલુકામાં સિઝનમાં માત્ર 133 મિ.મી. વરસાદ

વડોદરા શહેર-જિલ્લામાં 10 દિવસના વિરામ બાદ મધ્ય રાત્રે અને આજે દિવસ દરમિયાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મંગળવારે મધ્યરાત્રે બે વાગ્યાથી સતત વહેલી સવાર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. આજે સવારથી વરસાદી વાદળોએ જમાવટ કરવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન બપોરે 12 વાગ્યાથી ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઇ હતી. વરસાદની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. વરસાદ શરૂ થતાં શહેરીજનોએ ઉકળાટમાં રાહત અનુભવી હતી. વડોદરા શહેર સાથે જિલ્લામાં પણ વરસાદ શરૂ થતાં ડાંગર સહિતના પાકને જીવતદાન મળ્યું હતું.

વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાયો
આ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધી મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા. વરસાદ ન વરસતા શહેરીજનો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જ્યારે બીજી બાજુ વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતાતૂર બની ગયા હતા. શહેરીજનો ઉકળાટથી રાહત મેળવવા માટે મેઘરાજાને પધારવા પ્રાર્થના કરી રહ્યા હતા. જ્યારે ખેડૂતો ડાંગર સહિતના પાકને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. એકધારો વરસાદ વરસતા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ નિમિત્તે આયોજીત કાર્યક્રમોમાં વિક્ષેપ પડ્યો હતો.

પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી
સમગ્ર જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. અને મેઘરાજાના વધામણા કર્યા હતા. જો આ સપ્તાહમાં વરસાદ વરસ્યો ન હોત તો ખેડૂતોના ડાંગર સહિતના પાકનું બિયારણ નિષ્ફળ ગયું હોત. જોકે, આજે વરસાદ વરસતા ડાંગર સહિતના પાકના બિયારણને જીવતદાન મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના ડેસરમાં સિઝનમાં સૌથી ઓછો 133 મિ.મી. વરસાદ
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરામાં અત્યાર સુધીમાં 244 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરાના જિલ્લામાં કરજણ-328 મિ.મી., ડભોઇ-430 મિ.મી., ડેસર-133 મિ.મી., પાદરા-283 મિ.મી., વાઘોડિયા- 241 મિ.મી., સાવલી- 151 મિ.મી., અને શિનોર તાલુકામાં 135 મિ.મી. વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here