પ્રતિકાત્મક તસવીર
- સાયબર માફિયાઓએ ભાજપના યુવા આગેવાનને જાળમાં લેવાનો પ્રયાસ કર્યો
- વીડિયોમાં ચેડાં કરી તે ન્યૂડ વીડિયો યુવાનેતાના મિત્રોને પણ મોકલી દીધા
ભાજપના યુવા આગેવાનને રાત્રે વીડિયોકોલ આવ્યો હતો, તે સાથે જ યુવતી કપડાં ઉતારવા લાગી હતી, આગેવાને વીડિયો કટ કર્યાની થોડી જ ક્ષણોમાં તેમને મેસેજ આવ્યો હતો અને રૂ.5 લાખની માંગ કરી હતી, આ અંગે સાયબર સેલ પોલીસે તપાસ શરૂ કરી હતી.
શહેર ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયા મંગળવારે રાત્રે 1.45 વાગ્યે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેમના મોબાઇલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો, આગેવાને ફોન રિસીવ કરતાં જ વીડિયો કોલમાં દેખાતી એક યુવતીએ પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું, મનોજ ગરૈયા કંઇ સમજે તે પહેલા તો યુવતીએ તમામ વસ્ત્રો ઉતારી દીધા હતા 30 સેકન્ડ વીડિયોકોલ ચાલ્યો હતો, અને ભાજપના યુવાનેતાએ ફોન કટ કરી નાખ્યો હતો.
ફોન કાપ્યાની થોડી જ ક્ષણોમાં મેસેજ આવ્યો હતો અને મેસેજ કરનારે પૂછ્યું હતું કે, ‘મજા આવી’, યુવા આગેવાન સ્થિતિ પામી ગયા હતા અને બ્લેકમેઇલિંગ શરૂ થાય તે પહેલા જ તેમણે સામે મેસેજથી ધમકાવવાનું શરૂ કર્યું હતું, જોકે સાયબર માફિયાએ યુવતીનો ન્યૂડ વીડિયો અને તેમાં ચેડાં કરી યુવાનેતા પણ એવી સ્થિતિમાં હોય તેવો વીડિયો મનોજ ગરૈયાને મોકલી રૂ.5 લાખ પેટીએમ અથવા ગૂગલપેથી ચૂકવવા કહ્યું હતું.
બ્લેકમેઇલરે મનોજ ગરૈયાના સોશિયલ મીડિયાના મિત્રોનું લિસ્ટ પણ મોકલ્યું હતું અને તે તમામ મિત્રોને ન્યૂડ વીડિયો મોકલી બદનામ કરવાની ચીમકી આપી હતી, જોકે બુધવારે બપોરે તેમને તેમના સોશીયલ મીડિયા ગ્રૂપના કેટલાક મિત્રોના ફોન આવ્યા હતા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન્યૂડ વીડિયો આવ્યાની જાણ કરી હતી. આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી છે.