- શ્રીમંદર ભગવાનનો મુગટ, કુંડળની ચોરી
- રૂપિયા 25 હજારની કિંમતની ત્રણ કિલો વજનની મત્તાની ચોરી થતા પોલીસની દોડધામ
આજે શુક્રવારથી પ્રારંભ થયેલા પર્વાધિરાજ પર્યુષણ પર્વના પૂર્વે જ ગાંધીનગરના સાંપા ગામમાં આવેલા જૈન દેરાસરમાં શ્રીમંદર સ્વામી ભગવાનનો મુગટ, કાનના કુંડળ તેમજ ભંડારો મળી રૂપિયા 25 હજારની કિંમતની ત્રણ કિલો વજનની મત્તાની ચોરી થઈ છે. જેને લઈ જૈન સમુદાયમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે. આ અંગે રખીયાલ પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ શોધવા દોડધામ શરૂ કરી છે.
જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા
પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે શુક્રવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે. જૈન સમુદાયમાં પર્યુષણ પર્વનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેતું હોય છે. ત્યારે પર્યુષણ પર્વના પ્રારંભ પૂર્વે જ ગાંધીનગરના સાંપા ગામમાં આવેલા જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી હાહાકાર મચાવી દીધો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
ચોરીની ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી
ગાંધીનગરના સાંપા ગામે કૈલાશ સાગર સુરી આરાધના ફાઉન્ડેશન ટ્રસ્ટ નવા બબલપુરા જૈન દેરાસર મંદિરમાં રહેતા તરુણ સેવંતીલાલ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 1 સપ્ટેમ્બરની રાત્રીના આઠ વાગ્યાના અરસામાં જૈન દેરાસરના પૂજારી મૂકેશ બારૈયાએ દેરાસરના તમામ દરવાજાને તાળા મારી તેની ચાવીઓ તરૂણભાઈને આપી હતી. ત્યારે રાબેતા મુજબ ગઈકાલે સવારે સાડા પાંચ વાગે પૂજારી મૂકેશભાઈ દેરાસરની ચાવીઓ લઈને ભગવાનની પૂજા અર્ચના કરવા માટે ગયા હતા. જ્યાં અંદરનું દ્રશ્ય જોઈ તુરંત તેમણે તરુણભાઈને જાણ કરી હતી.
ચીજ વસ્તુઓ વેર–વિખેર પડી હતી
દેરાસર દોડી આવેલા તરુણભાઇએ જોયું હતું કે, જૈન દેરાસરના ઉપરના માળે આવેલા શ્રીમંદર સ્વામી ભગવાનના દેરાસરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું. તેમજ શ્રીમંદર સ્વામી ભગવાનનાં મૂર્તિના મસ્તક ઉપર ચાંદીના પાણીનું ઢોળ ચડાવેલો તાંબાનો ફૂલભાતની કોતરણી વાળો મુગટ તેમજ કાનનાં કુંડળ અને ભગવાનની મૂર્તિ આગળ મુકેલો ભંડારો તસ્કરો ચોરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત મંદિરના દીવા તેમજ અન્ય ચીજ વસ્તુઓ વેર-વિખેર પડી હતી.
પોલીસે તસ્કરોનું પગેરૂ શોધવા દોડધામ શરૂ કરી
તરુણભાઇએ દેરાસર પરિસરમાં તપાસ કરતા ભંડારો ઉપરના ભાગથી તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે, બે દિવસ અગાઉ જ ભંડારો ખાલી કરવામાં આવ્યો હોવાથી તેમાં કોઈ રોકડ રકમ ન હતી. જેનાં પગલે તરુણભાઈએ ત્રણ કિલો વજનના મુગટ – કુંડળ ચોરાયા અંગે ફરિયાદ નોંધાવતા રખીયાલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે ડોગ સ્કવોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને બોલાવી તસ્કરોનું પગેરૂ શોધવા દોડધામ શરૂ કરી હતી.