અમદાવાદ માં રાત્રે 3 વાગે આગમાં કોરોનાના 8 દર્દીના મોત, ICU વોર્ડ ખાખ, 41ને SVP ખસેડાયા, હોસ્પિટલ સીલ, ટ્રસ્ટીની અટકાયત

0
425
  • શ્રેય હોસ્પિટલ સામે FIR દાખલ કરાઈ
  • હાલમાં સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું
  • પરિવારજનોને દુર્ઘટનાની જાણ હોસ્પિટલ દ્વારા નહીં પણ મીડિયા દ્વારા મળી
  • પ્લાસ્ટિકની બનેલી પીપીઈ કીટ પહેરેલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યાં
  • આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળે પહોંચ્યા
  • હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ
  • આઈસીયુ સહિતના 25થી વધુ કોવિડ દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયાં

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. હાલમાં હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો છે. જ્યારે સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતી. તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે.

મોડી રાતે દર્દીના સંપર્કમાં આવેલા 35 ફાયરના જવાનોને સેલ્ફ ક્વોરંટીન કરાયા
સવારે 3:30એ ફાયર વિભાગને આગ લાગ્યાનો ફોન આવ્યો હતો. ત્યારબાદ ફાયરના એડિશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ સહિત 35 જેટલા ફાયરના જવાનો અને 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ તમામ જવાનો હાલમાં સેલ્ફ ક્વોરંટીન થઈ ગયા છે. ફાયર વિભાગનું કહેવું છે કે, અમે દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હતા. જ્યારે હોસ્પિટલમાંથી જે 41 દર્દીઓને અત્યાર એસવીપી હોસ્પિટલને ખસેડવામાં આવ્યા છે. હાલમાં આખી શ્રેય હોસ્પિટલને ખાલી કરી દેવામાં આવી છે.

હોસ્પિટલની બેદરકારી હતી કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે: સેક્ટર-1ના જેસીપી
સેક્ટર-1 જેસીપી આર વી અસારીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આગ લાગવા મામલે અત્યારે એડી દાખલ કરી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે. જે પણ ઘટનામાં તથ્ય સામે આવશે તેના આધારે તપાસ કરી ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે હોસ્પિટલની બેદરકારી હતી કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી હોસ્પિટલ તરફથી માહિતી આપવામાં આવી છે કે નથી આવી અને મૃતકોના પરિવારજનોને જવાબ આપવામાં નથી આવ્યા તે અંગે અમે તપાસ કરીશું.

હોસ્પિટલના દર્દીઓને અન્ય સ્થળે ખસેડવા મધરાતે દોડાદોડ
મધરાતે હોસ્પિટલમાં આગ લાગતા દોડાદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 દર્દીઓના મોત થયા છે જ્યારે અન્ય 25 દર્દીઓને સુરક્ષિત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરીમાં ફાયર વિભાગની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. દુર્ઘટનાની જાણ થતા જ મધરાત 15થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસની ટીમ પણ મોડી રાતથી ઘટના સ્થળ પર જ છે.

પોલીસની ટીમ પણ મોડી રાતથી ઘટના સ્થળ પર જ છે

શ્રેય હોસ્પિટલ બહાર દર્દીઓના પરિવાજનોનો આક્રોશ
શ્રેય 50 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલ છે. જ્યાં 40થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. દુર્ઘટનામાં જે દર્દીઓના મોત થયા છે તેમના મૃતદેહોને પીએમ માટે લઈ જવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. દર્દીઓની જાણકારી પરિવારજનોને ન આપવાના આક્ષેપ સાથે હોસ્પિટલની બહાર પરિવારજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.

મૃતદેહોને પીએમ માટે લઈ જવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

ફાયર વિભાગ દ્વારા આપેલી મૃતકોના નામ અને ઉંમરની યાદી

નામઉંમર
આરિફ મંસૂરી42
નવનીત શાહ80
લીલાબેન શાહ72
નરેન્દ્ર શાહ61
અરવિંદ ભાવસાર78
જ્યોતિ સિંધી55
મનુભાઈ રામી82
આઈશાબેન તિરમિજી51