નવસારીની 140 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર તોડવા સરકાર, બચાવવા વકીલો મક્કમ

0
288

નવસારીની ઐતિહાસિક ન્યાય મંદિરને ખાલી કરાવવા સરકારની ધરાર નોટિસથી જનાક્રોશ

નવસારીમાં છેલ્લા એક સપ્તાહની નવા વિવાદે જોર પકડ્યું છે. ગત સપ્તાહે નવસારીની 140 વર્ષ જૂની કોર્ટ બિલ્ડીંગ જે ભૂતકાળમાં રાજાની હવેલી હતી તે ધરોહરને સરકારે નિસ્તોનાબૂદ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આ ઓચિંતા નિર્ણયને કારણે વકીલોની સાથે સાથે શહેરીજનો પણ અચંભા ભરી સ્થિતિમાં મુકાયા છે. એકબાજુ સરકાર જૂની ઈમારતોની જાળવણી અંગે પગલાં લઈ રહી છે અને બીજી તરફ નવસારીની કોર્ટ પરિસરમાં આવેલ 140 વર્ષ જુની ઈમારતને તોડવાના આદેશ આપ્યા છે. જુની ઈમારતોની જાળવણીની આ નિતી પરથી સરકાર બે મોંઢાની વાત કરતી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.

જૂની કોર્ટ બિલ્ડીંગના મકાનને તાત્કાલિક ધોરણે બિનવપરાશમાં લેવા માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી જણાવવામાં આવેલ છે
સરકારના આકરા નિર્ણયની સામે બાથ ભીડવા ન્યાયના રક્ષક એવા વકીલો હાલમાં 140 વર્ષ જૂની ઈમારતના રક્ષક બની ગયા છે. વકીલોએ સરકારને બિલ્ડીંગ ન તોડવાનું અને નવસારીની ધરોહરને બચાવવાનું જણાવ્યું છે. આ સાથે જ ન્યાય મંદિર બિલ્ડીંગને સમારકામ તથા રંગરોગાન કરીને જીવંત રાખવાની વાત કરી છે. નવસારી બાર એસોસિયેશન દ્વારા આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ હતું. જોકે તેમના આવેદનપત્રને દરકીનાર કરી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તરફથી તાત્કાલિક ધોરણે ન્યાય બિલ્ડીંગમાં કાર્યરત મહિલા વકીલ બારને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, જૂની કોર્ટ બિલ્ડીંગના મકાનને તાત્કાલિક ધોરણે બિનવપરાશમાં લેવા માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી જણાવવામાં આવેલ છે. જેના સંદર્ભે જૂનું કોર્ટ બિલ્ડીંગ તાત્કાલિક ધોરણે બિનવપરાશમાં લઈ મકાન ફરતે વાયરની ફેંસિંગ કરી કોર્ડન કરવાનું હોવાથી તેને તાત્કાલિક ધોરણે ખાલી કરી રિપોર્ટ કરવાનું જણાવાયું છે.

જૂની કોર્ટ બિલ્ડીંગને તાત્કાલિક ધોરણે ખાલી કરવાની નોટિસ મળતાની સાથે જ નવસારી બાર એસોસિયેશન પણ એકશન મોડમાં આવી ગયું છે. નવસારી બાર એસોસિયેશન કોઈપણ કાળે આ ધરોહરને નવસારીના નક્શામાંથી નાબુદ થવા દેવા પર નથી, તો તેમની સાથે રાજવી પરિવાર પણ ઇમારત ન તોડવાની વાત અગાઉ કરી ચૂક્યા છે. ભાજપના નવાનિમાયેલા પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ આ બાબતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને ઐતિહાસિક ધરોહરને બચાવે તેવી આશા સામાન્ય લોકો અને વકીલો સેવી રહ્યા છે.

કોઈપણ કાળે ઈમારત તોડવા નહીં દેવાય
નવસારીની મધ્યમાં આવેલ ઐતિહાસિક કોર્ટ બિલ્ડીંગને તોડવાના સરકારના નિર્ણયને નવસારી બાર એસોસિયેશન અને વકીલ મિત્રો વિરોધ કરી રહ્યાં છે. નવસારીના ઘરેણાં સમાન આ ઈમારતને અમે કોઈપણ કાળે તોડવા નહીં દઈએ. અમે દિલ્લી સુધી લડી લેવાના મૂડમાં છે. આ અંગે અમારી એક-બે દિવસમાં બેઠક પણ થવાની છે જેમાં અગાઉની રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે.- સુધીરભાઇ સૂળે, પ્રમુખ, નવસારી ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here