શાકભાજીના ફેરિયા પાસે હેલ્થ કાર્ડ નહીં હોય તો આજથી રેંકડી જપ્ત: ક્ષૌરકર્મ ધંધાર્થી, વેપારીને બે દિવસની મુદત

0
295

21 આરોગ્ય કેન્દ્રમાં પણ એન્ટિજનથી ટેસ્ટ શરૂ, પ્રથમ દિવસે 21 પોઝિટિવ

રાજકોટ સુપર સ્પ્રેડરને રોકવા માટે મુખ્યમંત્રીએ શાકભાજીના ફેરિયા, કરિયાણાના વેપારી, ક્ષૌરકર્મ ધંધાર્થીઓના આરોગ્ય પરીક્ષણ કરી તેમને હેલ્થ કાર્ડ આપવા સૂચના આપી છે. જેના પગલે મનપા છેલ્લા ચાર દિવસથી શાકભાજીના ફેરિયાઓ માટે જુદા જુદા સ્થળો પર હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું. હવે ગુરુવારથી શહેરમાં જે ફેરિયાઓ પાસે હેલ્થ કાર્ડ નહીં હોય તેમની રેંકડી જપ્ત કરવા મ્યુનિ. કમિશનરે આદેશ કર્યો છે અને હેલ્થ ચેકઅપ કરાવશે ત્યાર બાદ જ રેંકડી પરત આપવા સૂચના આપી છે. આ જ પ્રકારે શહેરના ક્ષૌરકર્મ ધંધાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરાયું હતું પણ ધંધાર્થીઓએ રસ લીધો નથી તેથી કમિશનરે કરિયાણા અને ક્ષાૈરકર્મ ધંધાર્થીઓને પણ બે દિવસની મહેતલ આપી છે જો તે વેપારી હેલ્થ કાર્ડ નહીં કઢાવે તો દુકાન બંધ કરી દેવામાં આવશે. હેલ્થ કાર્ડ કઢાવ્યા બાદ વેપાર કરી શકાશે.

વહેલીતકે હેલ્થ કાર્ડ મેળવી લેવા અપીલ
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, શાકભાજી-ફળના ફેરિયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે આપણે તે જે વિસ્તારમાં રહેતા ત્યાં જઇ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, પરંતુ હવે જેમની પાસે હેલ્થ કાર્ડ નહીં હોય તેમને શહેરમાં વેપાર કરવાની છૂટ નહીં મળે. હેલ્થ કાર્ડ નહીં હોય તો રેંકડી જપ્ત થશે અને કાર્ડ દેખાડ્યા બાદ જ રેંકડી પરત આપવામાં આવશે. હેલ્થ કાર્ડ મેળવવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ મેડિકલ ચેકઅપ કરાવાથી મળશે. આ જ પ્રકારે ક્ષૌરકર્મ ધંધાર્થી અને કરિયાણાના વેપારીઓને પણ બે દિવસમાં પોતાનુ હેલ્થ કાર્ડ કઢાવી લેવાનો સમય આપવામાં આવે છે ત્યાર બાદ દુકાન ખોલવા નહીં દેવાય. તેથી વહેલી તકે હેલ્થ કાર્ડ મેળવી લેવું.

એન્ટિજન ટેસ્ટમાં 21 પોઝિટિવ આવ્યાં
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય કેન્દ્રમાં પણ એન્ટિજેન કિટથી પરીક્ષણ શરૂ કર્યા છે. તમામ આરોગ્ય કેન્દ્રમાં 50-50 એન્ટિજેન કિટ મૂકવામાં આવી છે તેથી ઝડપથી કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી શકાય અને સંક્રમણ અટકાવી શકાય. આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે આવેલામાંથી 591 વ્યક્તિના એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી 21 પોઝિટિવ આવ્યા છે. તમામને હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. હવે ક્ષૌરકર્મ ધંધાર્થી, કરિયાણાની દુકાનના વેપારી, બાકી રહી ગયેલા ફેરિયાઓ પણ પોતાની નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ એન્ટિજેન ટેસ્ટ કરાવી હેલ્થ કાર્ડ મેળવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here