વડોદરાની એકપણ કોવિડ હોસ્પિ.માં ફાયર સેફ્ટીની ચકાસણી થઇ નથી, આજથી શરૂ કરીઃ ચીફ ફાયર ઓફિસર

0
441
 
  • અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 દર્દીના મોત બાદ હવે વડોદરા આરોગ્ય તંત્ર દોડતુ થયું
  • વડોદરાની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાની સકાસણી માટે OSDની મ્યુનિ. કમિશરને સૂચના

વડોદરા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે લાગેલી આગની ઘટનામાં 8 દર્દીના મોત બાદ વડોદરા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને OSD વિનોદ રાવે કોવિડ હોસ્પિટલોમાં ચકાસણી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે. વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમને અત્યાર સુધીમાં એકપણ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવાની સૂચના મળી નથી અને ચકાસણી કરી પણ નથી. જોકે આજે સૂચના મળતા અમે કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણી શરૂ કરી છે.

ફાયર સેફ્ટીની તકેદારી રાખીને જ કોવિડ હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવીઃ OSD
બીજી તરફ OSD વિનોદ રાવે જણાવ્યું હતું કે, ફાયર સેફ્ટી અને પુરની સ્થિતિની તકેદારી રાખીને જ કોવિડ હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે. જોકે અમદાવાદની ઘટના બાદ આજે કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવા મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી દેવામાં આવી છે.

એકપણ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવાની અમને સૂચના મળી નહોતીઃ ચીફ ફાયર ઓફિસર
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલી કોરોનાની મહામારીમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે, પરંતુ, અમને અત્યાર સુધીમાં એકપણ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવાની સૂચના મળી નહોતી અને ચકાસણી કરી પણ નથી. આજે અમને સૂચના મળતા અમે ચકાસણી શરૂ કરી છે.

ગોત્રી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છેઃ નોડેલ ઓફિસર
ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડેલ ઓફિસર શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. દર્દી અને તેમના પરિવારજનોએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી.

વડોદરામાં સરકારી, ટ્રસ્ટ અને ખાનગી મળીને કુલ 61 હોસ્પિટલોમાં 3 હજાર બેડ છે
વડોદરા નજીક આવેલી મેડિકલ કોલેજ સહિતની હોસ્પિટલો મળીને કુલ 18 હોસ્પિટલો તેમજ ખાનગી 35 હોસ્પિટલો મળીને કુલ 52 હોસ્પિટલોમાં 1530 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આમ સરકારી, ટ્રસ્ટ અને ખાનગી મળી કુલ 61 હોસ્પિટલોમાં 3 હજાર બેડની હાલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે આ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે કોઇ તપાસ કરવામાં આવી નથી.