રાજકોટ :જિલ્લાઓમાંથી નિકાસપાત્ર ઉત્પાદનો શોધીને વિદેશી હુંડિયામણ વધારવાની કવાયત

0
56
આવતીકાલે રાજકોટના મેટોડામાં એકસપોર્ટર્સ કોન્કલેવ
MSMEમાં ફંડ રીલીઝની શકયતાઓ વચ્ચે નવા નિકાસકારો માટે રેડ કાર્પેટ

રાજકોટ, : કોરોના કહેર હળવો બન્યા બાદ હવે વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્ર પર ફોકસ વધારવા સરકારી તંત્રને ફુરસદ મળી છે. કેન્દ્રના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે ગુજરાતના દરેક જિલ્લામાંથી ત્યાંની વિશિષ્ટતારૂપ કયા-કયા ઉત્પાદનોને એકસપોર્ટ આઈટમ્સના લિસ્ટમાં ઉમેરી શકાય તેમ છે એની તલાશ શરૂ કરાવી છે અને આગામી સમયમાં નિકાસ થકી વિદેશી હુંડિયામણમાં વધારો થાય એ માટે નિકાસકારોને પ્રોત્સાહન માટેના પ્રયાસ આદર્યા છે. આ અંતર્ગત રાજકોટમાં પણ તા.૨૪ મીએ એકસપોર્ટર્સ કોન્ડલવનું આયોજન કરવામાં આવ્યું છે. 

 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વાણિજય ઉત્સવ યોજીને ડિસ્ટ્રિકટ લેવલ એકિટવિટી તરીકે આ સંમેલન રાખવામાં આવ્યું છે, જે વિશે ઉદ્યોગ જગતના આગેવાનોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકાર નજીકના ભવિષ્યમાં મર્ચન્ડાઈઝ એકસપોર્ટસ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) માં મોટું ફંડ રીલીઝ કરીને નિકાસને ઉતેજન આપે તેવી શકયતાઓ છે. 

ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડસ (ડી.જી.એફ.ટી.) ના જેતે વિસ્તારના પ્રતિનિધિઓને તેમનાં કાર્યક્ષેત્ર હેઠળ કયાં કયાંથી હાલ શું-શું નિકાસ થઈ રહ્યું છે અને એ યાદીમાં હજુ કઈ-કઈ પ્રોડકટ ઉમેરી શકાય તેમ છે એ ચકાસવા સૂચના અપાઈ છે. રાજકોટમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સાથે રાખીને લોધિકા જીઆઈડીસી એસોસીએશનના મેટોડા સ્થિત સેન્ટર ઓફ એસલન્સ ખાતે તા.૨૪ મીએ એકસપોર્ટર્સ કોન્કલેવ યોજીને તેમાં નિકાસકારોને હાલ નડતા પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે. ડીજીએફટીના જોઈન્ટ ડાયરેકટર અભિષેક શર્મા ત્યા જઈને નિકાસ કઈ રીતે વધારવી તે વિશે માહિતી આપનાર છે. જિલ્લામાંથી હાલ એન્જીનિયરિંગ ગુડ્સ (ઓટો પાર્ટસ, કાસ્ટિંગ-ફોર્જિંગ ટ્રલ્સ, ડિઝલ એન્જીન વગેરે), એગ્રિકલ્ચર પ્રોડકટ્સ (સિંગદાણાં, તલ, કોટન વગેરે) સહિત જે નિકાસ થઈ રહી છે એની પ્રોફાઈલ રજૂ કરીને વિશ્વસ્તરે નિકાસની નવી તકો બાબતે તથા નિકાસકર્તા કઈ રીતે બનવું એ વિશે માર્ગદર્શન અપાશે. રાજકોટ એન્જીનિયરિંગ એસોસીએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને નિકાસકારોના પ્રતિનિધિ પ્રેઝન્ટેશન આપશે.  સૌરાષ્ટ્રમાંથી રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર અને દ્વારકા ખાતે પણ આવા કાર્યક્રમ યોજાશે, જયારે અમદાવાદથી રાજય સ્તરીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ થશે તેમ જાણવા મળે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here