ગાંધીનગર 1000 કેસ થતાં 64 દિવસ લાગ્યા, 800 કેસ માત્ર 23 દિવસમાં જ થયા , કલોલ તાલુકામાં કેસ 500ની નજીક

0
293

અજબ સંયોગ : જિલ્લામાં બુધવારે કોરોના કેસ પણ 28 અને કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા પણ 28

ગાંધીનગર નંબર પ્લેટ પર જીજે-18 વાંચીએ એટલે એ વાહન ગાંધીનગર પાસિંગનું જ હોય, એ સમજાઈ જાય છે. બુધવારે કોરોનાના કેસનો આંકડો 1808 સુધી પહોંચી ગયો છે ત્યારે કોરોના કેસ અને આરટીઓ પાસિંગના આંકડા અનાયાસે જ સરખા થઈ ગયા છે. બુધવારે વધુ 28 કેસ નોંધાવા સાથે કોરોનામુક્ત દર્દીઓની સંખ્યા પણ 28 રહેતાં, અજબ સંયોગ સર્જાયો હતો જ્યારે 2 દર્દીનાં મૃત્યુ થયાં છે. 13 જુલાઈ સુધીના 64 દિવસમાં કોરોનાના કેસ 1000 સુધી પહોંચ્યા હતા એટલે રોજ 15થી 16 કેસનો રેશિયો રહ્યો હતો જ્યારે 14 જુલાઈથી 5 ઑગસ્ટ સુધીના 23 દિવસમાં જ કેસમાં 800 નોંધાતાં રોજના 34થી 35 કેસનો રેશિયો થયો છે.

ASI, પ્રોફેસર, વિદ્યાર્થીઓ, ક્લાર્ક સહિત 11 ને ચેપ
મનપા વિસ્તારના 11 કેસમાં સેક્ટર-1માં રહેતો 43 વર્ષીય યુવાન ડેઇલી પાસિંગ સર્વિસ નડિયાદ અને આણંદ કરે છે. ખાનગી કંપનીનો કોમ્પ્યુટર ઓપરેટર સે-24નો 29 વર્ષીય યુવાન અને સે-17માં રહેતા અડાલજ પોલીસ સ્ટેશનના 53 વર્ષીય એએસઆઇ તથા સે-1ના 3 કેસમાં અમદાવાદ કોર્ટમાં નોકરી કરતા 58 વર્ષીય આધેડ તેમજ 55 વર્ષીય ગૃહિણી અને અમદાવાદ નારણપુરાની યસ બૅન્કના 31 વર્ષીય મૅનેજર સંક્રમિત થયા છે. સે-5નો 19 વર્ષીય વિદ્યાર્થી, સે-25નો 21 વર્ષીય વિદ્યાર્થી તેમજ સે-25ની 13 વર્ષીય વિદ્યાર્થીની કોરોનામાં સપડાઇ છે. વધુમાં સે-22માં રહેતા અને રાયસણની ગુજરાત ડિઝાસ્ટર ઓથોરીટીના 36 વર્ષીય આસી. પ્રોફેસર તેમજ સેક્ટર-25માં રહેતા ગુડાના 40 વર્ષીય ક્લાર્ક કોરોનાગ્રસ્ત થયા છે.

ગાંધીનગર તાલુકામાં નવા 9 કેસ
પેથાપુર, સરગાસણ, કુડાસણ અને રાંધેજામાં 2-2 કેસ, કુડાસણમાં ગાંધીનગર સિવિલના લેબ ટૅક્નિશિયન અને કોરોનાગ્રસ્ત સાળાના સંપર્કમાં આવેલા આધેડ અને કોલવડાની આયુર્વેદ કોલેજના માળીને ચેપ લાગ્યો છે.

કલોલમાં 4, માણસામાં 3, દહેગામમાં 1 કેસ
કલોલના બોરીસણાના 2 આધેડ અને પાલિકા વિસ્તારના યુવાન તથા વૃદ્ધને ચેપ લાગ્યો છે. માણસામાં ઇન્દ્રપુરાનો યુવાન અને ખરણાના આધેડ તેમજ પાલિકા વિસ્તારનો યુવાન સંક્રમિત થયો છે. દહેગામમાં આધેડ કોરોનામાં સપડાયા છે.

પેથાપુરમાં ટેસ્ટની સંખ્યા વધારો : DDO
પેથાપુરમાં દસેક દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાને આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ધન્વંતરિ રથની કામગીરી નિહાળી, પ્રચારપ્રસાર કરવાની તેમજ ઓપીડીનો વ્યાપ વધારીને ટેસ્ટની સંખ્યા વધારવા સૂચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here