વેરાવળના ઇન્દ્રોઈ ગામે વહેલી સવારે વીજળી પડતા બળદ અને ભેંસનું મોત, રાજકોટમાં 4 ઈંચ વરસાદથી ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી

0
407
  • રાજકોટના રામનાથપરા સ્મશાનમાં અનેક વૃક્ષો ધરાશાયી થતા દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત થઈ
  • ગોંડલ રોડ અને સર્કિટ હાઉસ પાસે એક-એક વૃક્ષ ધરાશાયી થતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

રાજકોટ સૌરાષ્ટ્રમાં ગઈકાલે બુધવારે સર્વત્ર વરસાદ વરસ્યો હતો. મેઘમહેરની સાથોસાથ મેઘકહેર પણ જોવા મળ્યો હતો. રાજકોટમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી. ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે આજે વહેલી સવારે વેરાવળ પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. વેરાવળના ઇન્દ્રોઈ ગામે કુંભાભાઈ મસરીભાઈ જેઠવા નામના ખેડૂતની વાડીએ વીજળી પડતા એક બળદ અને એક ભેંસનું મોત નીપજ્યું છે.

સર્કિટ હાઉસ પાસે વૃક્ષ ધરાશાયી થયું


રાજકોટમાં સર્કિટ હાઉસ પાસે આજે સવારે વૃક્ષ ધરાશાયી થયું
રાજકોટના સર્કિટ હાઉસ પાસે આજે સવારે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ગઈકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આથી અનેક જગ્યાએ મોટા વૃક્ષોનો સોથ વળી ગયો હતો. મનપાની ટીમે રસ્તા પરથી ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત ગોંડલ રોડ પર પણ એક વૃક્ષ ધરાશાયી થતા વાહનચાલકોમાં મુશ્કેલી ઉભી થઈ હતી. ST વર્કશોપ પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું.

રામનાથપરા સ્મશાનમાં સૌથી વધુ નુકસાન


રામનાથપરા સ્મશાનમાં વૃક્ષો માથે પડવાથી દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત થઈ
રાજકોટમાં બુધવારે રાત્રે મિનિ વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો અને ફક્ત અડધો જ કલાકમાં બે ઇંચ પાણી વરસી ગયું હતું. આ વરસાદ અને ભારે પવનના કારણે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં સૌથી વધુ નુકસાન રાજકોટના રામનાથપરા મુક્તિધામમાં જોવા મળ્યું છે. અહીં વૃક્ષો ધરાશાયી થયા છે અને સાથે જ સ્મશાનમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. વૃક્ષો માથે પડવાથી દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત થઈ છે. હાલ સ્મશાનના સંચાલકો અને મનપાની ટીમ દ્વારા વૃક્ષોને ખસેડવાની કામગીરી શરૂ કરી છે.

રામનાથપરા સ્મશાનમાં વૃક્ષો માથે પડવાથી દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત


રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં પડેલો વરસાદ (ઈંચમાં)
ઉપલેટા- 1.5
કોટડાસાંગાણી- અડધો ઈંચ
ગોંડલ- 2
જેતપુર- 2
જસદણ- 1
જામકંડોરણા- પોણો ઇંચ
ધોરાજી- 3
પડધરી- અડધો ઇંચ
રાજકોટ- 4
લોધિકા- 1