સિરક્રીક પાકના નકશામાં ખેંચતા ‘આપ’ ઈમરાનનું પૂતળું બાળશે

0
369

જ્યુબિલી સર્કલ પાસે સવારે 11.30 વાગે કાર્યકરો આપશે કાર્યક્રમ

ભુજ કચ્છની દરિયાઈ સરહદને અડીને આવેલા 99 કિ.મી.ના સિર ક્રીકના સીમા વિસ્તારના ભારતીય ભાગને પાકિસ્તાને મુનસફીથી પોતાના વિસ્તારનો ભાગ બતાવતો નકશો પ્રસિદ્ધ કર્યો છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ સમગ્ર રાજ્યના 33 જિલ્લાની સાથે પશ્ચિમ કચ્છ એકમે પણ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના પૂતળા દહનનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. જે અંતર્ગત આજે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે સવારે 11.30 વાગે આમ આદમી પક્ષના કાર્યકરો કાર્યક્રમ આપશે.

માધ્યમોને માહિતી આપતા પશ્ચિમ કચ્છ ગુજરાત એકમના મીડિયા કન્વીનર ગીરીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની નાપાક હરકતોનો આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ ગુજરાત એકમ સખત વિરોધ કરે છે. જે વિરોધ વ્યક્ત કરવા ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ગુરુવારે સવારે 11.30 વાગે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પૂતળું બાળવામાં આવશે. યોગેશ પોકારે જણાવ્યું હતું કે, પાકિસ્તાને સમગ્ર કાશ્મીર સાથે ગુજરાતના કચ્છનો સરહદી પ્રદેશ, જુનાગઢ અને માણાવદરને પોતાના પ્રદેશનો હિસ્સો બતાવ્યો છે. જેના વિરોધમાં પાર્ટી પણ સરકારની પડખે ઊભી રહેશે. એટલું જ નહીં પણ દરેક પાર્ટી, સંગઠને આ મુદ્દે એકમત થઈ આગળ આવવું જોઈએ.

બોલો, વિસ્તાર અને કિ.મી.થી અજાણ
આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ ગુજરાતે એકમે પક્ષનો વલણ અને કાર્યક્રમની વિગતો જણાવવા પત્રકારોને બોલાવ્યા હતા. પરંતુ, પાકિસ્તાને કચ્છ સરહદનો કયો વિસ્તાર અને કેટલા કિ.મી.નો વિસ્તાર પોતાના નકશામાં બતાવ્યો છે એ સવાલનો જવાબ આપવામાં નીચું જોઈ ગયા હતા. એ બી.એસ.એફ.નો વિષય છે એવો જવાબ આપી વાત ટાળી હતી. એમને પ્રારંભમાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય એકમે વિરોધ કરવા સૂચવ્યું છે, જેથી તેમને પૂછ્યું કે, તો શું પશ્ચિમ કચ્છ એકમે વિરોધ કરવા ગુજરાત રાજ્ય એકમનું ધ્યાન નહોતું ખેંચ્યું. તો એમણે કહ્યું એ તો માહિતી ગઈ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here