સંક્રમણ વધતા તહેવારો પર વીરપુર મંદિર 12 દિવસ અને ખોડલધામ મંદિર 9થી 16 ઓગસ્ટ સુધી બંધ રહેશે

0
344
  • ઉપલેટા અને જામનગરનું માર્કેટિંગ યાર્ડ 16 ઓગસ્ટ સુધી બંધ રહેશે
  • કોરોનાનુ સંક્રમણ વધતા મંદિરો અને માર્કેટિંગ યાર્ડો બંધ રહેશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તહેવારો પર મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ એકઠી ન થાય તે માટે સૌરાષ્ટ્રમાં કેટલાક મંદિરો બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યો છે. તેમાં પણ તહેવારોના દિવસો નજીક આવી રહ્યાં છે. જેથી જન્માષ્ટમીના તહેવારો પર વીરપુરનુ જલારામ મંદિર કાલથી 12 દિવસ અને ખોડલધામ મંદિર 9થી 16 ઓગસ્ટ સુધી બંધ રહેશે. બીજી તરફ ઉપલેટાનું માર્કેટિંગ યાર્ડ 18 ઓગસ્ટ સુધી અને જામનગરનુ માર્કેટિંગ યાર્ડ 16 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વીરપુરનુ જલારામ મંદિર 12 દિવસ બંધ રહેશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર 8થી 20 ઓગસ્ટ સુધી એટલે કે 12 દિવસ સુધી બંધ રહેશે. આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને પૂજ્ય શ્રી જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખોડલધામ મંદિર 8 દિવસ બંધ રહેશે
સામાન્ય દિવસો કરતા તહેવારો અને રજાના દિવસોમાં ભક્તો ખોડલધામ મંદિરે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. પણ હાલ સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય રહ્યું છે અને બીજી તરફ તહેવારો નજીક આવી રહ્યાં છે. જેથી ખોડલધામ મંદિરમાં ભક્તોની ભીડ ન થાય તે માટે આગામી 9થી 16 ઓગસ્ટ સુધી ખોડલધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટ બાદ સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે. એટલું જ નહીં, પણ મંદિર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને તહેવારોમાં વધુ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાના આ સપ્તાહમાં જ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની જાહેર રજાઓ આવી રહી છે.

ઉપલેટા માર્કેટિંગ યાર્ડ આજથી બંધ
ઉપલેટા માર્કેટિંગ યાર્ડ આજથી બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રાજભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે 6થી 18 ઓગસ્ટ સુધી માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. જેથી ખેડૂતો અને વેપારીઓને માલ યાર્ડ ખાતે ન લઈ આવવા જણાવ્યું છે.

જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ 16 ઓગસ્ટ સુધી બંધ રહેશે
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડને કોરોના મહામારીના પગલે ફરીવાર બંધ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસમાં યાર્ડના ત્રણ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજથી 16 ઓગસ્ટ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે સામાન્ય રીતે જન્માષ્ટમીના તહેવારો પર 5-6 દિવસ યાર્ડ બંધ રહેતુ હોય છે. પણ આ વખતે કોરોનાની મહામારીના કારણે 10થી 12 દિવસ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here