તપાસ સમિતિના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી

0
285

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ અગ્નિકાંડની ઘટનાને ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદાયક ગણાવી, મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

ભરૂચના માતરીયા તળાવ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં આગમાં 8 લોકોના મૃત્યુ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ શ્રેય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડના જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

મુખ્યમંત્રીએ આ ઘટનાને ખુબ ગંભીરતાપૂર્વક લીધી છેઃ આરોગ્ય મંત્રી
રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં જે ઘટના બની છે, તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદાયક છે. હું તમામ મૃતકોને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપુ છું. જે લોકોને ઇજા થઇ છે, તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરૂ છું. મુખ્યમંત્રીએ આ ઘટનાને ખુબ ગંભીરતાપૂર્વક લીધી છે. એમણે તપાસના આદેશ આપ્યા છે અને 3 દિવસની અંદર તપાસનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

હોસ્પિટલના આઇસીયુમાં આગની ઘટનામાં મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે
ઉલ્લેખનિય છે કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ ચાર માળની શ્રેય હોસ્પિટલના ટોપ ફ્લોર પર આઈસીયુમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.