બારડોલીના કોવિડ સેન્ટરમાં મોત થનારા દર્દીની અંતિમક્રિયા માનવ સેવા ગ્રુપ કરશે
બારડોલીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનું મૃત્યુ થાય તો તેની અંતિમ વિધિ કરવા માટે સ્મશાન સુધી મૃતકને પહોંચાડી અંતિમક્રિયા કરવા માટે માનવ સેવા ગ્રૂપ શરૂ કરવામાં આવ્યું છે. જેની શરૂઆત કોરોના સંક્રમિત પરિવારની વૃદ્ધાનું મોત થતાં તેમની અંતિમવિધિ બારડોલી સ્મશાનગૃહ ખાતે કરાઈ હતી. આ સેવાકીય કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
પરિવારે માનવગ્રુપનો સંપર્ક કરતા અંતિમક્રિયાની તમામ વિધિ ગૃપે કરી હતી
સુરતની હોસ્પિટલોમાં કોરોના સંક્રમીતોના મૃત્યુ થતા અંતિમ વિધિ કરવા માટે એકતા ટ્રસ્ટ સંસ્થા છે. પરંતુ બારડોલીમાં કોવિડ કેર સેન્ટર શરૂ થયા બાદ કોરોના સંક્રમિત વ્યક્તિ કે તેમના પરિવારની કોઈ વ્યક્તિ મૃત્યુ થાય તો, અંતિમક્રિયા માટે પરિવારજનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવા પરિવારોની સ્થિતિ સમજી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને એક સેવાકીયગ્રૂપ બનાવ્યુ છે. જેનું નામ માનવસેવા ગ્રૂપ રાખવામાં આવ્યું હતું. બુધવારના રોજ બારડોલી નગરમાં રામનગરમાં રહેતા એક યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો આખો પરિવાર ક્વોરોંટાઇન હતો. આ સમયે જ તેમની દાદીમાનું અવસાન થતાં પરિવારની સ્થિતિ ખરાબ થઈ હતી. અને પરિવારે માનવગ્રુપનો સંપર્ક કરતા અંતિમક્રિયાની તમામ વિધિ ગૃપે કરી હતી. ઘરના સભ્યો અને ગણતરીના સ્વયંસેવકોએ વૃદ્ધાનો અગ્નિ સંસ્કાર આપ્યા હતા. બારડોલીમાં કોવિડ 19 માં મૃતકની અંતિમક્રિયા કરવા માટે આગળ આવી સેવાકીય કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં પ્રશંસા પાત્ર બની છે.
આજથી સેવા શરૂ
મારા પરિવારના કુટુંબીક સબંધીનું કોરોનામાં મોત થતા તેમની અંતિમક્રિયા માટે ઘણી તકલીફ થઈ હતી. ત્યારે મને વિચાર આવેલ કે મારે કોવિડ 19ની મહામારીમાં મૃતકને સ્મશાન લઈ જઈ અંતિમક્રિયા કરવાની સેવાકીય પ્રવૃત્તિ કરવાનો સંકલ્પ કર્યો હતો. મિત્રવર્તુળમાં પ્રસ્તાવ મુક્તા યુવાનો તૈયાર થયા અને ગૃપ બનાવ્યું હતું. જેની આજથી શુભારંભ સેવાકીય કામગીરીનો કર્યો છે. – કિશોર પાનવાલા, આરોગ્ય સમિતિ ચેરમેન, જિલ્લા પંચાયત સુરત