રાજકોટ બસપોર્ટમાં કોંગ્રેસે પોલીસની ગાડી આગળ બેસી રામધૂન બોલાવી, કહ્યું- પૂર્વ CM રૂપાણીએ ફક્ત કામો જ મંજૂર કર્યા પણ પૂર્ણ કરવામાં ઉદાસીનતા દાખવી

0
93
  • ગોડલ ચોકડીએ ડાઇવર્ઝનને લઇ ST ડિવીઝને 8 અને 12 રૂપિયાનો વધારો કરતા કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ
  • રાજકોટ ST ડેપોના મેનેજરને રમકડાની બસ સાથે ખોટા રૂપિયા આપી વિરોધ કર્યો
  • રામનાથમંદિર બનાવવા સરકારે 4.5 કરોડ ફાળવ્યા ચાર-ચાર વર્ષ બાદ કામ હજુય અધૂરું: મનપાના વિપક્ષ નેતા

ગોંડલ ચોકડીએ ડાયવર્ઝનને લઇને એસટી ડિવીઝને 8 અને 12 રૂપિયાનો ટિકિટમાં ભાવ વધારો ઝીંક્યો છે. આથી આજે કોંગ્રેસ દ્વારા એસટી બસપોર્ટમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી સહિત કાર્યકરો એસટી બસ અને પોલીસની ગાડી આડે બેસી જઇ રામધૂન બોલાવી હતી. તેમજ એસટી બસપોર્ટના મેનેજરને રમકડાની બસ અને ખોટા રૂપિયા આપ્યા હતા. આથી પોલીસે તમામની અટકાયત કરી હતી. ભાનુબેન સોરાણીએ આક્ષેપ કર્યો હતો કે, પૂર્વ CM રૂપાણીએ ફક્ત કામો જ મંજૂર કર્યા પરંતુ આ કામો પૂર્ણ કરવામાં ઉદાસીનતા દાખવી છે.

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ CMને રજુઆત કરી છે
ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો વિકાસ થાય તે માટે અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. જે કામો હાલ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. તેમજ રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ આજે ધીમી ગતિએ ચાલતા કામોની ફરિયાદ મુખ્યમંત્રીને કરવા જઈ રહ્યા હોવાનું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે.

ડેપો મેનેજરને કોંગ્રેસે રમકડાની બસ અને ખોટા રૂપિયા આપ્યા.

ડેપો મેનેજરને કોંગ્રેસે રમકડાની બસ અને ખોટા રૂપિયા આપ્યા.

શહેરના બની રહેલા બ્રિજો ગોકળગતિએ બની રહ્યા છે
રાજકોટ શહેરના તમામ બ્રિજ જેવા કે ગોંડલ ચોકડી બ્રિજ, જડ્ડુસ બ્રિજ, કે.કે.વી. ચોક બ્રિજ, નાના મોવા ચોકડી બ્રિજ, લક્ષ્મીનગર અન્ડરપાસ, રામાપીર ચોકડી બ્રિજ, માધાપર બ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ આમ કુલ આઠ અન્ડરબ્રિજ અને ઓવર બ્રિજના કામો હાલ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફક્ત કામો જ મંજૂર કરાવ્યા છે પણ તંત્ર એ કામો પૂર્ણ કરવા ઉદાસીનતા દાખવી છે. ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા તંત્રની અણઆવડતને હિસાબે રાજકોટની પ્રજાએ હેરાનગતિ અને હાલાકી ભોગવવી પડી રહી છે.

પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી.

પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી.

રામનાથ મહાદેવ મંદિરનું કામ ચાર વર્ષે પણ અધૂરૂ
રાજકોટના આરાધ્યદેવ સ્વયંભૂ રામનાથ મહાદેવજીના મંદિરનું કામ સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વર્ષ 2017ના દિવાળીના દિવસોમાં કામ કરાવવામાં આવ્યું હતું. 4.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મંદિરનું આજે ચાર-ચાર વર્ષ બાદ હજુય કામ અધૂરું છે. જે કામ પૂર્ણ કરાવવા શાસકોએ તસ્દી લીધી નથી. તેમજ કુંભકર્ણની નિંદ્રાધિન તંત્ર આ કામ પૂરું કરાવે તેવી રામનાથ દાદા સદબુદ્ધિ આપે અને રાજકોટ શહેરના વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને તંત્ર સફાળું જાગે અને લોકોને વિકાસ કામોનો લાભ જલ્દી મળે તેવું ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here