રાજકોટમાં વિધર્મી યુવક સાથે પ્રેમલગ્નની જીદ કરનારી યુવતીને તેના જ પિતાએ ધોકા મારી મોતને ઘાટ ઉતારી

0
11298
  • એક મહિના પહેલા માતાનું હાર્ટએટેકથી અવસાન થતા પિતા-પુત્રી સાથે રહેતા હતા
  • પિતા મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા, પુત્રી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં શાહનગર સોસાયટીમાં રહેતી ઇલા નકુમ (ઉં.વ.20)ને તેના જ પિતા ગોપાલભાઈએ કપડા ધોવાનો ધોકો માથામાં ફટકારી ફરાર થઈ ગયા હતા. આથી ગંભીર રીતે ઘાયલ ઇલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી જઈ ગુનો નોંધી આરોપી પિતા ગોપાલભાઈની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ઈલાને પાડોશમાં રહેતા વિધર્મી યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. આથી તેની સાથે લગ્ન કરવાની ઈલાએ જીદ પકડતા પિતાને માથામાં કપડા ધોવાનો ધોકો ફટકારી દીધો હતો.

પિતાને વિધર્મી યુવાન સાથેનો પ્રેમસંબંધ મંજૂર ન હતો
ઈલાને પાડોશમાં રહેતા વિધર્મી યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. આ અંગેની જાણ પિતાને થતા દીકરીનો વિધર્મી યુવાન સાથેનો પ્રેમ સંબંધ તેને મંજૂર નહોતો. આ અંગે પરિવારજનોએ પણ ઈલાને સમજાવી હતી. પરંતુ આજે પિતા ગોપાલભાઇએ કપડા ધોવાના ધોકા વડે ઈલાના માથાના ભાગે ઘા મારતા ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ ઈલાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે આરોપી પિતા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

માતાનું એક મહિના પહેલા અવસાન
ઈલાના માતા સવિતાબેનનું એક મહિના પહેલા હાર્ટએટેકથી અવસાન થયું હતું. 4 ઓગસ્ટના રોજ ઈલાના પરિવારજનો અને તેના પ્રેમીના પરિવારજનો વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી. પરંતુ આજે સવારે ગોપાલભાઈએ પોતાની દીકરીને ધોકા વડે ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાના ગયા બાદ ઈલા અને તેના પિતા ગોપાલભાઈ ઘરમાં સાથે રહેતા હતા. ગોપાલભાઈ મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. ઈલા એકની એક દીકરી અને મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી.

શું કહે છે DCP?
આ અંગે ઝોન-2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મૃતક ગાંધીગ્રામ વિસ્તારમાં તેના પિતા ગોપાલભાઈ સાથે રહેતા હતા. પુત્રી વિધર્મી યુવક સાથે જતી રહી હતી. બંને મેટર પોલીસ પાસે આવી ત્યારે બંને સમાજના આગેવાનો પણ પોલીસ પાસે આવ્યા હતા. આગેવાનોના સમજાવાથી બંને સમાજના લોકો વચ્ચે વાતચીત થઈ હતી. બાદમાં યુવતી પોતાના પિતાને ત્યાં પરત જતી રહી હતી. આ બધી ઘટના 29 જુલાઈથી આજ સુધીમાં બની હતી. આજે સવારે ખાવા-પિવાની બાબતે છોકરી સાથે માથાકૂટ થઈ હતી. તેના પિતાએ માથામાં લાકડાના ધોકાના ત્રણ-ચાર ઘા માર્યા હતા. બાદમાં સારવાર માટે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે બપોરે તેનું મોત નીપજ્યું હતું. હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે.

ઈલા થોડા દિવસ પહેલા ઘર છોડી પ્રેમી પાસે જતી રહી હતી
પોલીસ ​તપાસમાં ખુલ્યા મુજબ ​​​​​​ઈલા થોડા દિવસ પહેલા જ ઘર છોડીને પ્રેમી પાસે પહોંચી ગઈ હતી. ત્યાંથી બંને ત્યાંથી ભાગીને ક્યાંક જતા રહ્યા હતા. ઈલાના પિતાએ ઘરેથી ચાલી ગઈ છે તેવી પોલીસને જાણ કરી હતી. બે દિવસ પહેલા પુત્રીના પ્રેમીના પરિવારજનોએ પુત્રની ઉંમર નાની છે, પુખ્ત નથી તેમ સમજાવીને ઈલાને ઘરે મૂકવા આવ્યા હતા. ત્યારે પણ ગોપાલભાઈએ પુત્રીને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સમજાવટ પછી પુત્રીને ઘરે લઈ ગયાના 24 કલાક પછી ખૂની હુમલો કર્યો હતો.