‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’નાં કલાકાર સમીર શર્માનો આપઘાત

0
442

ટીવી ઈન્ડસ્ટ્રીનાં વધુ એક અભિનેતાની આત્મહત્યા : સુસાઈડ નોટ ન મળતાં બનાવનું કારણ અકબંધ


ટીવી ઈન્ડસ્ટ્રીથી કારકિર્દી શરુ કરી બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવનાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં નિધનની હજુ કળ વળે તે પહેલાં ગત સપ્તાહે એક મરાઠી અભિનેતાએ જિંદગીનો અંત આણ્યો હતો તો હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ ધરાવતા અભિનેતા સમીર શર્માએ ફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ‘કયોંકી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી સહીત અનેક જાણીતી સીરીયલમાં કામ કરી ચૂકેલા સમીર શર્માના આ પગલાથી ચાહકો આઘાતમાં ગરક થઈ ગયા હતા.

44 વર્ષીય સમીર શર્માએ પોતાના રસોડામાં પંખા સાથે ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લીધી હતી. રાત્રે નાઈટ ડયુટી દરમિયાન રાઉન્ડ મારી રહેલાં ચોકીદારે સમીરનાં મૃતદેહને જોઈ સોસાયટીનાં સભ્યોને આ અંગે જાણ કરી હતી. જે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ હાથ ન લાગતાં આપઘાતનું કારણ સામે આવ્યું નથી.



સમીર શર્મા મલાડ વેસ્ટમાં અહીંસા માર્ગ પર આવેલી નેહા સીએચએસ નામની બિલ્ડીંગમાં રહેતો હતો. તેણે આ ફલેટ ફેબ્રુઆરી માસમાં જ ભાડે લીધો હતો. સૂત્રો અનુસાર, સમીરની તબીયત ઘણાં સમયથી ખરાબ હતી. જેને કારણે તે દવા પણ લેતો હતો. જો કે થોડા સમયથી તેની તબીયતમાં સુધારો જણાયો હતો અને તેણે એકટીંગ પણ શરુ કરી દીધી હતી. જો કે લોકડશઉન પછી તેનો ટ્રેક શરુ થયો ન હતો હાલમાં તે સ્ટાર પ્લસ પર પ્રસારીત થતી ‘યે રિશ્તે હૈ પ્યાર કે’માં કામ કરી રહ્યો હતો. આ સિરિયલમાં તે કુહુનાં પિતાની ભૂમિકા ભજવી રહ્યો હતો.

આપઘાત કરનાર સમીર શર્મા મૂળ દિલ્હીનો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે બેંગ્લુરુ શિફટ થયો હતો. જયાં તેણે એડ એજન્સીમાં કામ કરવાની શરુઆત કરી હતી. જે પછી એકટીંગ પર હાથ અજમાવવા માટે તે મુંબઈ આવી ગયો હતો.

સમીર છેલ્લા 15 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો હતો. તેણે વર્ષ 2005માં દિલ કયા ચાહતા હૈ સીરીયલથી કારકિર્દીની શરુઆંત કરી હતી. જે પછી તેણે જયોતિ, કહાની ઘર ઘર કી, કયોંકી સાંસ ભી કભી બહુ થી, લેફટ રાઈટ લેફટ, ઈસ પ્યાર કો કયાં નામ દું, ગીત હુઈ સબસે પરાઈ, 26/12, વો રહનેવાલી મહેલો કી, આયુષ્યમાન ભવ:, ભૂતુમાં પણ કામ કર્યું હતું. સમીરની ડેબ્યુ ફીલ્મ ‘હસી તો ફંસી’ હતી.

સમીરનાં આપઘાત અંગે પોલીસે જણાવ્યું હતું કે હાલમાં આકસ્મિક મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે.