દમણગંગા નદીમાં તણાતા યુવકને બચાવવા ફાયરબ્રિગેડે દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યુ

0
282

અડધો કિલોમીટર તણાયા બાદ યુવક રેલવે બ્રિજના સ્તંભને પકડીને ઉભો રહ્યો

વાપી ભારે વરસાદના કારણે દમણગંગા નદીનું જળસ્તર વધ્યું છે. દમણગંગાના પાણીના પ્રવાહમાં તણાતો એક યુવક લગભગ અડધો કિલોમીટર તણાઈને રેલવે ઓવરબ્રિજ નીચેના સ્તંભને પકડીને ઉભો છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને 108 એમ્બુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયરબ્રિગેડ દ્વારા યુવકને બચાવવા માટે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં યુવકને દોરડાથી બાંધીને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ફાયરબ્રિગેડના જવાનો યુવક સુધી પહોંચીને તેને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરી રહ્યાં છે.

ચેકડેમ ઓવરફ્લો થતાં જળસ્તર વધ્યું
દમણગંગા નદી પર આવેલા રેલવે બ્રિજની નજીકમાં ચેકડેમ આવેલો છે. ઉપરવાસનો આ ચેકડેમ ઓવરફ્લો થઈ જતાં નદીના જળસ્તરમાં વધારો થયો છે. વાપી GIDC અને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા યુવકના બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ ઘટના સ્થળે 108ની ટીમ અને પોલીસ પણ તૈનાત છે. લગભગ છેલ્લા ત્રણેક કલાક કરતાં વધુ સમયથી કામગીરી ચાલી રહી છે. જેમાં યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

તણાતા યુવકને જોઈને તંત્રને જાણ કરી-પ્રત્યક્ષદર્શી
યુવકને તણાતા જોનાર પ્રત્યક્ષદર્શી કેતન પટેલે જણાવ્યું હતું કે, તે વાપીમા કન્સલટન્સીનું કામ કરે છે. ભિલાડ કામ માટે ગયો હતો.તે સમયે બ્રિજ પરથી પસાર થતા પાણીમાં જોયુ તો બોલ જેવું દેખાયું. પરંતુ થોડી જ વારમા તે બોલ નહી પરંતુ વ્યક્તિનું માથું હોવાનું સ્પષ્ટ થયું હતું તેના હાથ દેખાતા હતાં. એટલે મને થયું તેને મદદની જરૂર છે. નજીકમાં મંદિર છે ત્યાં તેણે સાદ તો કર્યો હશે. પરંતુ કોઈ સાંભળી શક્યું નહીં હોય. એટલે હું બ્રિજ ક્રોસ કરીને નીચે ઉતર્યો. એ ભાઈ બ્રિજના સ્તંભ પાસે અટકી ગયા હતાં.એટલે મેં તેને કહ્યું, તમે ત્યાં જ રહો. બાદમાં 108 અને ફાયરને જાણ કરી હતી. ત્રણ કલાક કરતાં વધુ સમયથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે. ફાયરબ્રિગેડ તેને બચાવી લેશે તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here