સિવિલમાં 8 અને ખાનગી હોસ્પિટલમાં 1નું સારવાર દરમિયાન મોત
રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 9 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં કુલ 1570 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે. તેની સાથે મૃત્યઆંક પણ વધ્યો છે. આજે આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે છે. ત્યારે જયંતિ રવિની મુલાકાત પહેલા જ રાજકોટમાં કોરોનાથી 9 લોકોના મોત થયા છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં એક તબીબ સહિત 90 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે 67 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 516 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવનો આંક 2374 પર પહોંચ્યો છે.
ક્રમ | નામ | ઉં.વ. | સ્થળ |
1 | હાજીભાઈ ઈસ્માઈલભાઈ પરમાર | 70 | રાજકોટ |
2 | માલુબેન રઘુભાઈ | 56 | રાજકોટ |
3 | જયાબેન નાનજીભાઈ પરમાર | 55 | રાજકોટ |
4 | રામભાઈ રાઘવજીભાઈ કાપડીયા | 81 | રાજકોટ |
5 | મનિષભાઈ ગુલાલભાઈ સવાણી | 40 | રાજકોટ |
6 | હિતેષભાઈ પ્રભાશંકરભાઈ ઉપાધ્યાય | 70 | જેતલસર |
7 | સતારભાઈ ઈસ્માઈલભાઈ બેલીમ | 70 | જેતલસર |
8 | ગોમતીબેન પરષોતમભાઈ જાદવ | 50 | ધ્રાંગધ્રા |
9 | દુધીબેન દેવશીભાઈ ગજેરા | 75 | જામકંડોરણા |
શહેરમાં 20 સંજીવની રથ ચલાવવા સુધીનું આયોજન કર્યું
મહાનગરપાલિકાએ શહેરમાં એસિમ્ટોમેટિક કોરોના પોઝિટિવ દર્દીને ઘરે રહી સારવાર લેવી હોય તો તે માટે સંજીવની રથ શરૂ કર્યો છે. હોમ આઇસોલેશન માટે મનપા પાસે હાલ એક સંજીવની રથ છે અને 67 દર્દી તેનો લાભ લઇ રહ્યા છે. સંજીવની રથમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, બી.પી., પલ્સ ઓક્સિમીટર સહિતની સાધન સામગ્રી, દવા હોય છે. હવે દર્દીની સંખ્યા વધતા મનપા શુક્રવારથી બીજો સંજીવની રથ શરૂ કરવા જઇ રહ્યું છે. ત્યાર બાદ જેમ જેમ જરૂર પડશે તેમ સંજીવની રથની સંખ્યામાં વધારો કરવામાં આવશે. મનપાએ શહેરમાં 20 સંજીવની રથ ચલાવવા સુધીનું આયોજન કરી લીધું છે અને તેના માટે જરૂરી સ્ટાફની ભરતી પણ કરી રહ્યું છે.
આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.