નવસારી જિલ્લાના 72 કેન્દ્રમાં 35.13 લાખ રોપા ઉછેરાયા

0
350

વન-વૃક્ષોની જાળવણી અને રક્ષણ માટે લોકજાગૃતિ અને લોક સહકાર મેળવવા કાર્યક્રમ

નવસારી જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ કાર્યક્રમ ચીખલી તાલુકાના કુકેરીમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ડો. અમિતાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, નાયબ વન સંરક્ષક ડો. બી.સુચેન્દ્રા, પ્રાંત અધિકારી જાગીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, વન અને વૃક્ષોની જાળવણી અને રક્ષણ માટે લોકજાગૃતિ અને લોક સહકાર મેળવવા માટે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે દેશમાં વસતિ વધારાની સાથે વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે.

ગામને રળિયામણું બનાવવાના આ ભગીરથ કાર્યમાં સૌને સહયોગ આપવા જણાવ્યું
તેનું સમતોલન જાળવવા માટે જયારે એક વૃક્ષ કપાઇ તો તેની સામે બીજા પાંચ વૃક્ષોનું વાવેતર કરવું જાઇએ. રાજય સરકારની વિવિધ યોજનાનો ખેડૂતમિત્રોએ લાભ લેવો જાઇએ. સ્થાનિક સંસ્થાઓ, એનજીઓ, મંડળીઓ, પંચાયતના સરપંચો, શાળા કંમ્પાઉન્ડમાં, ગામમાં આવવા-જવાના રસ્તાઓ ઉપર વૃક્ષનું વાવેતર કરી કાળજી લઇ ઉછેરવા અનુરોધ કર્યો હતો. સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ તથા વનમહોત્સવ અંતર્ગત લોકોને પોતાના ઘરઆંગણે, ખેતરમાં શેઢાપાળે માટે રોપા વિનામૂલ્યે આપવામાં આવે છે જેનો લોકોને લાભ લેવા જણાવ્યું હતું. ગામને રળિયામણું બનાવવાના આ ભગીરથ કાર્યમાં સૌને સહયોગ આપવા જણાવ્યું હતું.

મનરેગા યોજના હેઠળ 8 લાખ રોપા ઉછેરવામાં આવ્યાં છે
ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે રાજય સરકારના વન વિભાગની વિવિધ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું તેમજ વૃક્ષનું મહત્વ સમજાવી વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરવા પર ભાર મૂકયો હતો. આ પ્રસંગે સામાજીક વનીકરણ વિભાગના નાયબ વનસરંક્ષક એમ.યુ.શેખે જણાવ્યું હતું કે, 71મા વનમહોત્સવ દરમિયાન નવસારી જિલ્લાના 72 રોપ ઉછેર કેન્દ્રમાં વિવિધ જાતના 35.13 લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. જેમાં ખાતાકીય વન મહોત્સવ હેઠળ 18.83 લાખ, ડીસીપી નર્સરી હેઠળ 7 લાખ તથા મનરેગા યોજના હેઠળ 8 લાખ રોપા ઉછેરવામાં આવ્યાં છે. જેનું હાલમાં વિતરણ ચાલુ છે તેમ જણાવ્યું હતું તેમજ સામાજીક વનીકરણ વિભાગની જુદી જુદી યોજનાની જાણકારી આપી હતી.

ચીખલીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.એન.પ્રજાપતિએ આભારવિધિ કરી
જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ કુકેરીના શાંતાબા વિદ્યાલયના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું તેમજ 71મો વનમોત્સવ નિમિત્તે વૃક્ષરથનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કુકેરી ગામના શાંતાબા વિદ્યાલયના પ્રમુખ પરિમલભાઇ, સરપંચો, ગામ આગેવાનો, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ચીખલીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.એન.પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here