જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવશે : કોવિડ હોસ્પિટલની મુલાકાત પણ લેશે : મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓનો કાફલો પણ જોડાશે
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે શનિવારે જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિની સમીક્ષા માટે તેઓ જામનગર આવી રહ્યા છે. બપોરે 2.30 વાગ્યે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, મુખ્ય સચિવ, પંચાયતના અધિક મુખ્ય સચિવ, સી.એમ.ના અંગત સચિવ સહિતનો કાફલો પણ જામનગર આવશે.
ગાંધીનગરમાં રાજયમંત્રી હકુભા જાડેજા સાથે જામનગરની સ્થિતિની ચર્ચા થયાં બાદ મુખ્યમંત્રીએ જામનગર આવવાનું નિર્ણય કર્યો હતો. જે અનુસંધાને આવતીકાલે બપોરે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના મહામારી અંગે સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ તેઓ જામનગરની કોવિડ હોસ્પિટલની મુલાકાત પણ લેશે. અત્રેએ ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે. ત્યારે રાજયના અન્ય શહેરોની જેમ જામનગરની સ્થિતિની સમીક્ષા કરવી પણ જરૂરી બની હોય મુખ્યમંત્રી જામનગર આવી રહ્યા છે. અગાઉ મુખ્યમંત્રી સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ જેવાં મહાનગરોમાં કોરોના સંક્રમણ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી ચુકયા છે.
અહેવલ:- સાગર સંઘાણી ,જામનગર