સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, ભાદર 1, ન્યારી, આજી અને શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

0
2164

સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ સૌરાષ્ટ્રમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ બન્યો છે. ખાસ કરીને 2 દિવસથી સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે. સતત મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્રના 30થી વધુ ડેમોમાં પાણીની આવક જોવા મળી છે. ભાદર 1, ન્યારી, આજી અને શેત્રુંજી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેથી નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં નદી-નાળા અને ચેકડેમો છલકાયા છે.

ભાદર 1માં 7.5 ફૂટ પાણીની આવક થઈ
સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમ-1માં નવા નીરની આવક થઈ છે. ભાદર ડેમ-1 રાજકોટ, જેતપુર, ગોંડલ, સહિતના શહેરોને પીવાનું પાણી પુરૂ પાડે છે. ભાદર-1માં હાલ 7.5 ફૂટ નવા નીરની આવક થઈ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર-1 હાલ 49.5 ટકા જેટલો ભરાય ગયો છે.

શેત્રુંજી ડેમમાં પાણીની સપાટી 29.1 ફૂટે પહોંચી
શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ગારીયાધાર તાલુકામાં, લીલીયા, લાઠી, બગસરા ,બાબરા અને સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ત્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં પાણીની સપાટી 29.1 ફૂટે પહોંચી છે. શેત્રુંજી ડેમ 34 ફુટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમની ઉપર અમરેલી પંથકમાં ખોડિયાર ડેમ આવેલો છે. જે હાલમાં 70 ટકા ભરાયેલો છે. જે પ્રકારે સારો વરસાદ વરસી રહ્યો છે તે જોતાં ટૂંક સમયમાં જ ખોડીયાર ડેમ ઓવરફલો થશે. આમ ભાવનગર અને પાલિતાણાનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે.

આજી નદીમાં નવા નીરની આવક થઈ
રાજકોટમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડતા આજી નદી જળ બંબાકાર થઈ છે. આજી નદીમાં પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. રામનાથ પરા, બેડીપરા, ભગવતીપરા સહિત 5 જેટલા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને આજી નદીના પટ તરફ ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જરૂર પડે તો લોકોનું સ્થળાતંર કરવા માટે ફાયરના જવાનો તૈયાર છે. અત્યારથી જ નીચાણવાળા વિસ્તારોમાં ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે.

નવા નીરથી ખેડૂતોમાં ખુશી
એક તરફ સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. નદીઓ ગાંડીતુર બની છે. તો બીજી તરફ જળાશયોમાં પાણીની આવક વધવાથી ખેડૂતો અને સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી જોવા મળતી હોય છે. પરંતુ છેલ્લી બે સિઝનથી ચોમાસુ સારૂ જઇ રહ્યું છે અને આ વખતે તો શરૂઆતમાં જ જળાશયોમાં 80 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here