સુનિતા યાદવનો બફાટ, તે રાત્રે મને દારૂ પીવડાવવાની એ લોકો વાત કરતા, આંખ બંધ કરૂ છું તો એ લોકો અને ભ્રષ્ટ અધિકારીઓ દેખાય છે

0
637
  • રાજસ્થાનના જેસલમેરથી સુનિતા યાદવે વીડિયો વાઈરલ કર્યો
  • એ રાત્રે વર્દીમાં ન હોત તો બધાના હાડકાં ભાંગી નાખ્યા હોત

સુરત આરોગ્યમંત્રીના પુત્ર સાથે વિવાદ કર્યા બાદ લાઈમલાઈટમાં આવેલી LR(લોકરક્ષક) સુનિતા યાદવ ફરી ચર્ચાએ ચડી છે. સુનિતા યાદવે વીડિયો દ્વારા બફાટ કર્યો છે કે, એ રાતે એ લોકો મને દારૂ પીવડાવવાની વાત કરતાં હતાં. હું વર્દીમાં ન હોત તો તમામના હાડકા તોડી નાખ્યાં હોત. હજુ આટલા દિવસ પછી પણ મને ઊંઘ નથી આવતી. આંખ બંધ કરૂં તો મને એ લોકો અને ભ્રષ્ટ અધિકારીઓ જ દેખાય છે. હું મારૂં રક્ષણ કરવા સક્ષમ હોવાનું કહેતા સુનિતાએ રાગિની યાદવને મદદ કરવાની અપીલ કરી હતી. ન્યાયતંત્ર અને સિસ્ટમમાં રહેલા સડાને દૂર કરવા અને નિયમિત કરવામાં નહિ આવે તો પોતે બળવો કરશે તેવો વાણી વિલાસ સુનિતા યાદવે રાજસ્થાનના જેસલમેરથી જાહેર કરેલા વીડિયોમાં કર્યો છે.

હું 60-70ને પણ ઢાળી દઉ
સુનિતા યાદવે વીડિયોમાં કહ્યું કે, મેં એ લોકોને રોક્યા ત્યારે એ 6 લોકો જ હતાં. 60થી 70 હોત તો પણ મેં તેના હાડકા તોડી નાખ્યાં હોત. મેં એનસીસીમાં ખૂબ મહેનત કરી છે. પોલીસ ટ્રેનિંગ કોલેજમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી છે. આ તો સિસ્ટમ જ છે કે, જે અમને મજબૂર કરે છે. તે દિવસે ડ્રેસમાં ન હોત તો તેને ઢાળી દીધા હોત. મેં ગાળો નથી દીધી. એ લોકોએ મને દારૂ પીવડાવવાની વાત કરી હતી. એક પેગ પીવડાવી દો એમ કહેતા હતાં. હેલ્થ મિનિસ્ટર સાહેબ, એ ઓડિયો સરખો સાંભળજો.એ લોકો પોતે પીને આવ્યા હતા અને મને પીવડાવવાની વાત કરતા હતા. એ દિવસે ડ્રેસમા ન હોત તો હું બધાના પ્રાઈવેટ પાર્ટ પણ તોડી નાખત.

મને ન્યાય મળવામાં આટલી વાર કેમ લાગે છે
ફરી આરોગ્યમંત્રી સામે નિશાન તાકતા સુનિતાએ કહ્યું કે, મારો વિરોધ કરાવવામાં આવે છે. હેલ્થ મિનિસ્ટર સાહેબ તમારા દીકરાને કાબૂમાં રાખો નહીંતર ફરી હું કંઈક એવું કરીશ કે, એ જામીન પર ભલે છૂટ્યો હોય પણ ફરી એ જ જગ્યાએ એ જઈ શકે છે. મને કેમ ન્યાય મળવામાં મુશ્કેલી થઈ રહી છે. કાયદો આટલો નબળો કેમ છે. ન્યાયના ઉચ્ચ આસન પર બેઠેલા મને ન્યાય અપાવે. મને કાયદા પર ભરોસો છે. માનવાધિકાર અને મહિલા અધિકારની વાતો કરનારા ક્યાં છે. 8 જુલાઈથી હું ઊંધી નથી શકી. મને હજુ પણ આંખ બંધ કરૂં તો એ ભ્રષ્ટ અધિકારીઓ અને એ લોકો જ દેખાય છે.

રાગિની યાદવને મદદ કરો
રાગિની યાદવ ત્રણ વર્ષથી ભ્રષ્ટ સિસ્ટમ સામે લડી રહી છે. તેનો લાઈવ વીડિયો જોયો હતો. હું તેને સપોર્ટ કરુ છું કે, એ ઘાયલ છે. તેની સાથે અન્યાય થઈ રહ્યો છે. જે મને મદદ કરવા ઈચ્છે છે તેઓ રાગિની યાદવને મદદ કરે. હું પોલીસ વિભાગમાં હોવાથી લડી શકુ છું. મારામાં તાકાત છે. રાગિનીને ખાખી વર્દીમાં રહેલા અમૂક ભ્રષ્ટ લોકો ગાળો આપે છે. મને મદદ કરવા ઈચ્છતા યુપી બિહારના લોકો પોતાની દીકરીની મદદ કરે. અમુક પોલીસવાળા ગદ્દાર છે જ, જે સરકારની નોકરી કરે છે અને ભ્રષ્ટ નેતાઓની ગુલામી કરે છે. ખાય છે પ્રજાનું અને સેવા નેતાઓની કરે છે. લોકો માટે સિસ્ટમ છે, સિસ્ટમ માટે લોકો નથી. રાગિનીના મર્ડર અને રેપ કરવાની વાત કરે છે તેવા અધિકારીઓને જેલમાં ધકેલી દેવા જોઈએ તેમ સુનિતાએ કહ્યું છે.

બળવા પર ઉતરી જઈશ
કાયદો વ્યવસ્થા સુધરશે નહી તેમજ તંત્ર સુધરશે નહી તો હું નોકરી છોડીને બળવા પર ઉતરી જઈશ તેમ કહેતા સુનિતાએ ઉમેર્યું કે, મોદી સાહેબ મંદિર બને છે, એ સારૂ છે. તમે આ કરી શકો છો, તો દીકરીઓની સુરક્ષા કેમ નથી થઈ રહી. આ મારી વોર્નિંગ છે કે, હવે કોઈ દીકરી સાથે કંઈ થયુ તો રાજીનામું મંજૂર થવાની રાહ જોયા વગર જ મેદાનમાં ઉતરીને બળવો કરીશ. સિસ્ટમ, સમાજ અને વ્યવસ્થાની વાટ જોયા વગર જ મેદાનમાં આવી જઈશ.મહિલાઓ તમારી સાથે કંઈ ખોટું થાય તો રણચંડી બનો, એમાં તમારી કોઈ ઈજ્જત નહીં જાય.હું અત્યારે જેસલમેર રાજસ્થાનમાં છું. જેને જે કરવું હોય તે કરી લે. હવે અત્યાચાર કરનારા કોઈપણ હોય તેના હાથ પગ તોડી નાખીશ કે મોતને ઘાટ ઉતારી દઈશ. આ મારી ચેતવણી છે ભલે તેને સાંભળીને મને જેલમાં ધકેલી દેવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here