સિહોરના કનાડમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ વાઘાણીની વાડીમાં પાણીની ટાંકી તૂટી પડતા 2 મહિલાના મોત

0
343
  • પાણીની ટાંકી નીચે દબાય જવાથી બંને મહિલા મોતની ભેટી
  • લાઠીના જરખીયામાં નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ભાવનગર સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જર્જરિત મકાનો અને જર્જરિત પાણીની ટાંકીઓ પડી જવાની બીકે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે સિહોરના કનાડ ગામે વાડી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અચાનક તૂટી જતા 2 મહિલાને ગંભીર ઈજા પહોંચતા ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જેમાં એક મહિલાનું સિવિલમાં સારવાર દરમિયાન અને એકનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. કનાડ ગામના સરપંચ મયુરસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, આ વાડીના માલિક ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે. લક્ષ્મીબેન જાંબુચા અને મધુબેન બાંભણીયા નામની બંને મહિલાઓ વાડીમાં કામે ગઈ હતી અથવા કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક સિમેન્ટ અને ઈંટોથી બનેલી ટાંકી ફાટી અને તૂટી પડતાં બન્ને મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.

એક જ પરિવારની બે મહિલાના મોત
એક જ પરિવારની બે મહિલાઓના મોતની ઘટનાથી પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સિમેન્ટ અને ઈંટથી બનાવેલી આ ટાંકી તૂટી પડી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને સગા સંબંધીઓ ભાવનગર હોસ્પિટલે દોડી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​​

લાઠીના જરખીયામાં નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

લાઠીના જરખીયામાં નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
લાઠીના જરખીયામાં નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું છે. યુવાન ઢોર ચરાવવા માટે ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન નદીમાં પગ લપસી જતા યુવાન પાણીમાં ગરકાવ થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો બચાવવા દોડ્યા હતા પરંતુ યુવાનનો મૃતદેહ હાથ લાગતા બહાર કાઢ્યો હતો. બાદમાં TDO, મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતક યુવાનનું નામ રઘુ ઘોહાભાઈ આલગોતરા (ઉં.વ.27) હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here