- કોવિડ સેન્ટરમાં CCTVથી દેખરેખ રાખવામાં આવતી હતી
- ટિફિનના ભાતના ડબ્બામાંથી તમાકુ-બીડીના પેકેટ મળ્યા
રાજકોટ. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં ગોંડલ સબ જેલના કેદીના ઘરેથી આવતા ટિફિનનાં ભાતના ડબ્બામાંથી બીડી અને ફાકીના પેકેટ મળ્યા છે. જેથી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. ગોંડલ સબ જેલનો કેદી સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગના ચોથા માળે કોરોનાની સારવાર લઈ રહ્યો છે. જેનું ટિફિન ઘરેથી આવતું હતું. ત્યારે આજે સિક્યુરિટી ટીમે તેના ટિફિનની તપાસ કરતા તેમાંથી બીડી અને ફાકીનાં પેકેટ મળી આવ્યાં હતાં.
સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને જાણ કરી
મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ત્રીજા અને ચોથા માળે કેદીઓ માટે પ્રિઝનર વૉર્ડ બનાવવામાં આવ્યો છે. આ વૉર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી બીડી પીવામાં આવતી હોવાની ફરિયાદો તબીબો દ્વારા કરવામાં આવતી હતી. જેથી સિક્યુરિટી ઈન્ચાર્જ અને સ્ટાફે સતત વોચ રાખવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ કોવિડ સેન્ટરમાં CCTVથી સતત દેખરેખ રાખવામાં આવતી હતી. ત્યારે આજે ચોથા માળે રખાયેલા ગોંડલના જેલના કેદી ફિરોઝ જીકારભાઈના ઘરેથી ટિફિન આવ્યું હતું. જેથી સિક્યુરિટીની ટીમે ટિફિનના તમામ ખાના ચેક કરતા ભાતના ડબ્બામાં ભાતની અંદર છુપાવેલી બીડી તથા તમાકુ મળી આવ્યું હતું. જેથી સિક્યુરિટી ઈન્ચાર્જ અને પ્રિઝનર વોર્ડ ખાતે ફરજમાં રહેલા સ્ટાફે પોલીસને જાણ કરી છે.